Site icon Gujarat Mirror

પાકિસ્તાનના કરાંચીમાં ઈદ પહેલા વરસાદ: વાવાઝોડાએ મચાવી તબાહી, 19 લોકોના મોત

પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. હવામાન સંબંધિત ઘટનાઓને કારણે ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. કરાચીમાં ખરાબ હવામાનને કારણે થયેલી તબાહીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે જોરદાર પવનથી છત ઉડી ગઈ અને દિવાલો તૂટી પડી હતી તથા ઘણી જગ્યાએ વૃક્ષો અને સાઇનબોર્ડ પડી ગયા.

ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાકિસ્તાન હવામાન વિભાગે ગુરુવારે વધુ વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક, સંઘાર મલિકે જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન છત અને દિવાલ તૂટી પડતાં 12 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે લોકો ચા પી રહ્યા હતા. તેમણે કહ્યું, “તોફાન, ભારે પવન અને વરસાદને કારણે સૈદાબાદ વિસ્તારમાં મોચકો ગોથમાં એક ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ.”

બચાવ ટીમો હજુ પણ કાટમાળ દૂર કરી રહી છે અને કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અસદ રઝાએ ગુરુવારે સવારે મીડિયાને જણાવ્યું હતું કે કોરંગી વિસ્તારમાં એક ઘરની છત તૂટી પડતાં એક દંપતીનું મોત થયું છે. વધુમાં, માલિરમાં વીજળી પડતાં બે લોકો ઘાયલ થયા હતા. તેમણે એ પણ માહિતી આપી હતી કે લાંધી વિસ્તારની માજીદ કોલોનીમાં જાનહાનિ થઈ છે, જ્યારે ક્લિફ્ટનમાં એક ઝાડ નીચે કચડાઈ જવાથી એક મહિલાનું મોત થયું છે. મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

કરાચીના મેયર મુર્તઝા વહાબે ખરાબ હવામાનને કારણે લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂૂરી બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે. જીઓ ટીવી અનુસાર, ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સિંધ પ્રાંતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.

Exit mobile version