Site icon Gujarat Mirror

દબાણ હટાવ ઝુંબેશ સામે સવાલો: દરબારગઢ અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી સામે ભેદભાવની ચર્ચા

 

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરભરમાં દબાણકર્તા સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે જોવા મળે છે કે પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણકર્તાઓના માલસામાન જપ્ત કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દરબારગઢ, બર્ધન ચોક અને માંડવી ટાવર જેવા વિસ્તારોમાં અનેક રજૂઆતો છતાં દબાણકર્તાઓની પથારીઓ કે રેકડીઓ જપ્ત કરવામાં આવતી નથી, જેને લઈને શહેરમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.

શહેરના લોકોમાં એવી પણ ચર્ચા છે કે એસ્ટેટ શાખાના બે-ત્રણ કર્મચારીઓને નવી બનાવેલી ચોકીમાં બેસાડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ દબાણકર્તાઓને આવીને જણાવે છે કે તેઓ તેમનો સામાન લઈ જાય, કારણ કે તેમને ફક્ત ફોટો પાડીને ઉપર મોકલવાનો છે અને ત્યારબાદ તેઓ તેમનો સામાન પાછો રાખી શકે છે. આ પ્રકારની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

શહેરના જાગૃત નાગરિકો અને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આ વિસ્તારોમાં દબાણની પરિસ્થિતિ યથાવત રહેતા અને કોઈ નક્કર કાર્યવાહી ન થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું આટલી બધી રજૂઆત પછી પણ આ જ રીતે ચાલશે કે પછી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા આખરે કડક પગલાં લેશે? તે જોવાનું રહ્યું. હાલ તો શહેરભરમાં આ બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે અને લોકો પાલિકાની કાર્યવાહી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

Exit mobile version