પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે રસ્તા પર ઊતરેલાં લોકોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખોરાક, વીજળી અને મૂળભૂત જરૂૂરીયાતોની માગ સાથે શરૂ થયેલા આંદોલનમાં લોકો હવે પાકિસ્તાનથી મુક્તિ માગી રહ્યા છે. કાશ્મીરની પ્રજા પોતાનો અધિકાર માગી રહી છે ત્યારે પાકિસ્તાનની સરકાર તેમને આતંકવાદી જાહેર કરીને તેમના પર પાશવી અત્યાચારો ગુજારી રહી છે. એક તરફ પાકિસ્તાનની સરકારે આર્થિક નાકાબંધી કરીને કાશ્મીરીઓને મળતી અનાજ સહિતની ચીજો બંધ કરી દીધી છે ત્યારે બીજી તરફ જનાક્રોશને દબાવી દેવા માટે લશ્કરને છૂટો દોર આપી દીધો છે.
કાશ્મીરની જનતા આ અત્યાચારો સામે અડીખમ બનીને લડી રહી છે પણ લશ્કરના અત્યાચારો સામે ક્યાં સુધી ઝીંક ઝીલશે એ સવાલ છે ત્યારે એક રસપ્રદ ઘટના બની છે. પીઓકેની જનતાના અવાજને બુલંદ બનાવવા માટે લોકોના પ્રતિનિધીઓની જોઇન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) બનાવાઈ છે. આ જેએએસીના નેતા સરદાર અમન ખાને ભારતને દરમિયાનગીરી કરવા માટે સીધી અપીલ કરી છે.
અત્યારે પીઓકેના જનાક્રોશનું કેન્દ્ર રાવલકોટનું ઈદગાહ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં મળેલી જંગી જાહેર સભાને સંબોધતાં સરદાર અમન ખાને ભારતને માનવીય સહાય મોકલવા અને નિયંત્રણ રેખા (એલઓસી) પર સરહદ ખોલવા હાકલ કરી છે. સરદાર અમન ખાને હાજર હજારો લોકોને વારંવાર સવાલ પણ કર્યો કે, આપણે નિયંત્રણ રેખા તરફ આગળ વધવું જોઈએ? લોકોએ આ સવાલનો જવાબ ’હા’માં આપ્યો છે. સરદાર અમન ખાને બીજી ચીમકી પણ આપી છે કે, પાકિસ્તાન અમને આતંકવાદી ગણાવીને ગોળીઓ મારી રહ્યું છે પણ પીઓકેનાં લોકો લાંબો સમય ચૂપ નહીં રહે.
અમારી પાસે પણ બીજા વિકલ્પો છે ને પાકિસ્તાન અત્યાચારો બંધ નહીં કરે તો અમારે એ રસ્તે જવું પડશે. મતલબ કે, પીઓકેની પ્રજા પણ પાકિસ્તાન આર્મી સામે હથિયારો ઉઠાવી શકે છે. અત્યારે પીઓકેમાં ઊડકેલો જનાક્રોશ કે સરદાર અમન ખાનની હાકલ પણ મોદી સરકારની વ્યૂહકચનાનો ભાગ હોય એવું બને. એવું હોય તો મોદી સરકાર સાચી દિશામાં જઈ રહી છે. આ મુદ્દે અત્યારે કોઈ પણ પ્રકારની ચર્ચા રાષ્ટ્રના હિતમાં નથી તેથી આ વિષયને છોડીએ પણ સાથે સાથે આશા રાખીએ કે, પીઓકેની પ્રજાનો સંઘર્ષ ફળે અને પીઓકેની પ્રજા પાકિસ્તાન આર્મીને ભગાડીને ભારત સાથે જોડાય. પીઓકે ભારતનો જ વિસ્તાર છે તેથી પીઓકેનાં લોકોની તકલીફોને નિવારવામાં ભારત કોઈ કસર નહીં છોડે

