Site icon Gujarat Mirror

ઘંટેશ્વરમાં ગરીબો માટે આરક્ષિત જમીન પાછી આપવા રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડા વિસ્તારમાં ભળેલા ઘંટેશ્વર વિસ્તારમાં સરકારી જમીનના માલિકી હક્ક માટે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. અગાઉ ગરીબ પરિવારો માટે આરક્ષિત આ જમીનનો હેતુ ફેરવાઈ જતા સ્થાનિકોમાં અસંતોષ વ્યાપી ગયો છે, જેને પગલે આશરે 80 જેટલા રહીશોએ જમીન પાછી સોંપવા માટે કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઘંટેશ્વર ગામ અગાઉ એક અલગ ગ્રામ્ય વિસ્તાર હતો, જે હવે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ ગયો છે. વર્ષ 1998માં ઘંટેશ્વરમાં સર્વે નંબર 150 સહિતની આસપાસની 5 એકર જેટલી જમીનને ગરીબી રેખા નીચે જીવતા (ઇઙક) પરિવારોના રહેણાંક હેતુ માટે ખાસ આરક્ષિત કરવામાં આવી હતી. સરકારની મૂળ યોજના મુજબ આ જમીનમાંથી 100 વાર અને 50 વારના પ્લોટ બનાવીને નિર્ધન પરિવારોને ફાળવવાના હતા.

જોકે, સમય જતાં સરકારે આ જમીન કબજે કરી લીધી હતી અથવા તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે ફેરવી દીધો હતો. જેના કારણે ઘંટેશ્વરના ગરીબ પરિવારો પોતાના હક્કથી વંચિત રહી ગયા છે.

સ્થાનિકોની વ્યથા વર્ણવતા રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં ઘંટેશ્વરના આશરે 200 જેટલા ગરીબ પરિવારો અત્યંત તંગ અને સાંકડા આવાસોમાં જીવન ગુજારી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વિકટ છે કે એક જ પરિવારના 14 જેટલા સભ્યો માત્ર 35 વારના નાના મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે. વર્ષો વીતવાની સાથે પરિવારોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ રહેવા માટે જમીનની કોઈ ઉપલબ્ધતા ન હોવાથી લોકોની હાલાકી વધી છે.

આ વિકટ પરિસ્થિતિમાંથી કાયમી છુટકારો મેળવવા માટે 200માંથી 80 જેટલા પરિવારો સક્રિય રીતે આગળ આવ્યા છે. આ રહીશોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તાકીદે મૂળ હેતુ મુજબ આ જમીન પરત આપવા અને માલિકી હક્ક પ્રદાન કરવા માંગણી ઉઠાવી છે. જો સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Exit mobile version