499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું
ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સુપ્રસિદ્ધ તરણેતરના મેદાનમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા એક ઈનામી ડ્રોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે હંગામો મચી ગયો હતો. અંદાજે 10 હજારથી વધુ લોકોની ભીડ વચ્ચે આયોજકો અને જનતા સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી, જેના પરિણામે પોલીસે ડ્રોની પ્રક્રિયા અટકાવી દેવાની ફરજ પડી હતી.
અમરાપર સ્થિત કૃષ્ણ ગૌશાળા અને અનસોયા મંદિરના લાભાર્થે 15 જાન્યુઆરીએ આ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોની વિગતો આશ્ચર્યજનક હતી. ડ્રોમાં ભાગ લેવા માટે એક ટિકિટની કિંમત 499 રૂૂપિયા હતી. અંદાજે 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ હતી. અંદાજે 5 કરોડથી વધુ રકમ આ ઈનામી ડ્રોના નામે લોકો પાસેથી લેવામાં આવી હતી.
આ ઈનામી ડ્રોમાં પ્રથમ ઈનામ 51 લાખ રોકડા હતું અન્ય ઇનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેક્સન જેવી મોંઘીદાટ કારોનો સમાવેશ થતો હતો.આ સાથે અન્ય કાર, બાઇક, ઘરવખરીની વસ્તુઓ અને સોના-ચાંદીના ઘરેણાં પણ ઈનામમાં આપવામાં આવશે એવું પત્રિકામાં લખ્યું હતું.
ડ્રોની પત્રિકામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રક્રિયા પોલીસની હાજરીમાં થશે, પરંતુ વાસ્તવિકતામાં આયોજકોએ પોલીસ કે વહીવટી તંત્રની કોઈ મંજૂરી લીધી ન હતી. ડ્રો દરમિયાન જ્યારે લોકોને ગેરરીતિની આશંકા ગઈ, ત્યારે હાજર 10 હજારથી વધુ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ સ્ટેજ પર હાજર એક મહંત એન એક આયોજકને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબડી ડિવિઝનના ઉુજઙ વિશાલ રબારી અને થાનગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સમગ્ર ડ્રોની પ્રક્રિયા અટકાવી દીધી હતી.
મહંત રામદાસ બાપુ અને આયોજક લગધીરભાઈ કારેલીયાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. DySP એ સ્પષ્ટ કર્યું હતું કે પથ્થરમારો કે ગાડીના કાચ તૂટવાની ઘટનાઓ માત્ર અફવા છે,
માત્ર લોકોના રોષને કારણે હોબાળો થયો હતો. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે કે ખરેખર ડ્રોમાં ગેરરીતિ થઈ હતી કે કેમ. જોકે, આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર FIR નોંધવામાં આવી નથી. લાખો રૂૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદનારા લોકો હવે પોતાના નાણાં અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
ઈનામી ડ્રોના આયોજકો
હીરાભાઈ જે. ગ્રામભડિયા – નાના માત્રા
લગધીરભાઈ કે. કારેલીયા – કાનપર
સુરેશભાઈ આર. ઝરવરિયા – નવાગામ, ચોટીલા
મેરાભાઈ એસ. ડાભી -ચીત્રાખડા
નરશીભાઈ ડી. સોલંકી – વીજળીયા
રમેશભાઈ સી. ઝેઝરીયા – અભેપર

