Site icon Gujarat Mirror

સત્યમ કોલોની રોડ પર તંત્રની નિષ્ક્રિયતાથી દબાણકારો બેફામ

જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક પ્રકારના ગેરકાયદેસર દબાણો ખડકાઈ ગયા હોવાથી લોકોને ચાલવા માટે પણ જગ્યા મળતી નથી. આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સત્યમ કોલોની રોડ પર ઠેર-ઠેર બે મતલબના અને લાંબા સમયથી પાર્ક કરેલા ભંગાર વાહનો અડચણરૂૂપ બની ગયા છે. આ ઉપરાંત, વેચાણ કરતા પથારાવાળાઓ અને રેંકડીઓએ પણ ફૂટપાથ પર કબજો જમાવી લીધો છે, જેના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના કચરાના ડબ્બાઓ પણ ફૂટપાથ પર જ મૂકવામાં આવ્યા હોવાથી અનેક જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ માટે દુર્ગંધ અને રોગચાળાનું કારણ બની શકે છે.

આ તમામ દબાણોના કારણે ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફૂટપાથ પર ચાલવાની જગ્યા ન હોવાથી લોકોને જોખમી રીતે રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. સ્થાનિક લોકો અને રાહદારીઓએ અનેક વખત આ અંગે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

હવે જામનગર શહેરના નાગરિકો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જંબાઝ અધિકારીઓની રાહ જોઈ રહ્યા છે, જેઓ આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તાત્કાલિક ઝુંબેશ ચલાવે અને રાહદારીઓને રાહત અપાવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ સમસ્યા વધુ વકરી શકે છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

Exit mobile version