Site icon Gujarat Mirror

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારી

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ઉપરાંત ચોથો મોરચો ‘રાજકોટ નાગરિક સમિતિ’ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે.

રાજકોટના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ગુજરાત નાગરિક પરિષદના અધ્યક્ષ વાસુદેવ પટેલની તાજેતરની રાજકોટ મુલાકાત બાદ શહેરના જાહેર જીવનમાં એક નવા વળાંકની શરૂૂઆત થઈ છે. રાજકોટમાં પ્રસ્થાપિત રાજકીય પક્ષોના વિકલ્પ તરીકે અને જનતાના સાચા અવાજને વાચા આપવા માટે ‘રાજકોટ નાગરિક પરિષદ’ની રચના કરવાની હિલચાલ તેજ બની છે.

પોતાના પ્રવાસ દરમિયાન વાસુદેવ પટેલે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણવિદો, ડોક્ટરો, વકીલો અને સામાજિક કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકોનો મુખ્ય સૂર એ હતો કે વર્તમાન રાજકીય વ્યવસ્થામાં સામાન્ય નાગરિકનો અવાજ ક્યાંક દબાઈ રહ્યો છે, ત્યારે નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે બિનરાજકીય છતાં મજબૂત સંગઠનની જરૂૂર છે.

સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટના અનેક પ્રતિષ્ઠિત રાજકીય અને સામાજિક આગેવાનો પ્રસ્થાપિત રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી નારાજ થઈને હવે ‘રાજકોટ નાગરિક પરિષદ’માં જોડાવા માટે તત્પરતા દર્શાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અનેક જાણીતા ચહેરાઓ પક્ષવાદથી ઉપર ઉઠીને આ નાગરિક અભિયાનમાં સત્તાવાર રીતે જોડાશે.

આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘રાજકોટ નાગરિક પરિષદ’ એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય મનપામાં ભ્રષ્ટાચાર મુક્ત અને લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન સ્થાપિત કરવાનો છે. રાજકીય પક્ષોના આદેશોને બદલે સ્થાનિક લત્તા અને વોર્ડના પ્રશ્નોને પ્રાધાન્ય આપી ‘લોકોનું શાસન’ સ્થાપવા માટે આ પરિષદ મક્કમ છે.

આ સમગ્ર રણનીતિ અને સંગઠન માળખાને આખરી ઓપ આપવા માટે આગામી 8 માર્ચના રોજ રાજકોટ ખાતે એક વિશેષ‘ચિંતન સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શહેરના બૌદ્ધિકો અને પરિવર્તન ઈચ્છતા નાગરિકો ઉપસ્થિત રહેશે, જેમાં રાજકોટ નાગરિક પરિષદની આગામી રૂૂપરેખા અને ચૂંટણીલક્ષી રણનીતિ જાહેર કરવામાં આવશે. વધુ વિગતો માટે રાજભા ઝાલા :9825406686નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

Exit mobile version