લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા પ્રૌઢાને મહિલા ત્રિકોણબાગ પાસે લઇ ગયા બાદ સરબત જેવુ પીણું પીવડાવતા બેભાન થઇ ગયા
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા પ્રૌઢાને ધેની પીણું પીવડાવતા તેઓ બેભાન થઇ ગયા હતા જયારે ભાનમાં આવ્યા ત્યારે તેમના બુટીયા ગાયબ હોય જેથી અજાણી મહિલા ઘેની પીણુ પીવડાવી બુટીયા કાઢી ગયાનું જણાઇ આવ્યુ હતું. પ્રૌઢાને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.1/14માં રહેતા શાંતુબેન સોમાભાઇ બારીયા (ઉ.વ.60)નામના પ્રૌઢા ઓફિસમાં કચરા પોતા કરવાનુ કામ કરે છે. તેઓ 15 દિવસ પહેલા દુકાને વસ્તુ લેવા ગયા ત્યારે મંજુબેન નામની મહિલા સાથે ઓળખાણ થઇ હતી. તે મહિલા પણ ઓફિસમાં કચરા પોતાનું કામ કરતી હોવાનુ જણાવ્યુ હતું અને તેને આધારકાર્ડ ઉપર પાંચ કિલો ઘઉં અને ચોખા મળતા હોવાનુ જણાવતા ગઇકાલે સાંજે આ મહિલા શાતુબેનને ત્રિકોણબાગ પાસે લઇ ગઇ હતી જયા તેમને બેસાડી હું હમણા ઓફિસમાં કામ કરી આઉ તેમ કહી ગયા બાદ થોડીવાર બાદ સરબતનો ગ્લાસ લઇ આવી હતી. જે સરબત શાતુબેનને પીવડાવ્યા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા અને જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓ રામકૃષ્ણ આશ્રમ પાસે હતા અને તેમણે કાનમાં પહેરેલા બંને સોનાના 3 તોલાના બુટીયા ગાયબ હોય.
બાદમાં કોઇ વ્યક્તિઓ 112ને ફોન કરતા પોલીસે દોડી આવી પ્રૌઢાને તેમના ઘરે મૂકી ગયા હતા. આજે સવારે પણ તેઓ અર્ધબેભાન હાલતમાં હોય પરિવારજનો પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મંજુબેન નામના મહિલા તેમને આધાર કાર્ડ ઉપર ઘઉં ચોખા મળતા હોવાનુ કહી ઘેની પીણુ પીવડાવી બુટીયા કાઢી ગયાનુ જણાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

