Site icon Gujarat Mirror

ઘોરડ પક્ષીઓને બચાવવા લગાવવામાં આવેલા ડાઇવર્ટરથી પાવર લાઇન પાક.નો ટાર્ગેટ બનવાનો ભય

PGVCL દ્વારા રાતોરાત 4000 જેટલા બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર દૂર કરાયા

સુપ્રિમ કોર્ટ દ્વારા લુપ્ત થતા ઘોરડ પક્ષીઓ વીજ લાઇનને અથડાઇને મૃત્યુ ન પામે તે માટે કચ્છનાં બોર્ડર સહીતના વિસ્તારોમા બર્ડ ફલાઇટ ડાઇવર્ટર લગાવવાનો આદેશ કરાયો હતો. પરંતુ હવે આ ડાઇવર્ટરથી રાત્રે વીજ લાઇન પણ અંધારામા જોઇ શકાય છે. જેથી પાકિસ્તાન દ્વારા ડ્રોન કે મિશાઇલ વડે હુમલો કરાઇને વીજ લાઇનના આધારે નજીકના શહેર કે સબ સ્ટેશનો પર હુમલો થવાનો ભય ઉભો થયો હતો. પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરીને રાતો રાત આવા 4000 જેટલા બર્ડ ફલાઇટ ડાઇવર્ટર ઉતારી લેવાયા છે.

ઘોરડ પક્ષી લુપ્ત થતી પ્રજાતી ગણવામા આવે છે. જેને બચાવવા માટે સુપ્રિમ કોર્ટ સુધી પીટીશન થઇ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કંપની (જેટકો) તેમજ પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જયા આ પ્રજાતીના પક્ષીની વસ્તી છે ત્યા વીજ લાઇનો પર બર્ડ ફલાઇટ ડાઇવર્ટર લગાડવામા આવ્યા હતા. જેમા રીફલેકટર અને એલઇડી લાઇટ પણ મુકવામા આવી હતી. પરીણામે રાત્રી દરમ્યાન પણ બર્ડ ફલાઇટ ડાઇવર્ટરમાથી સતત પ્રકાશ ઉત્સર્જીત થયા કરે છે. જેને લીધે આ પક્ષીઓ વીજ લાઇન સાથે અથડાતા નથી અને દુરજ રહે છે. પરંતુ હાલમા યુધ્ધની પરીસ્થિતીને પગલે આ ડાઇવર્ટરથી વીજ લાઇનને અંધકારમા ઓળખવી ખુબ સહેલી થઇ જાય છે અને તેના આધારે નજીકના શહેરમા અંધારપટ્ટ હોવા છતા પણ શહેરની ઓળખ થઇ શકે છે અને તેના પર મિશાઇલ કે ડ્રોન વડે હુમલો થવાનો ભય રહે છે.પીજીવીસીએલનાં વિશ્ર્વસનીય સુત્રોમાથી જાણવા મળતા પ્રમાણે આગમચેતીના ભાગરૂપે આ 4000 જેટલા બર્ડ ફલાઇટ ડાઇવર્ટર યુધ્ધના ધોરણે ઉતારી લેવાયા હતા.

Exit mobile version