Site icon Gujarat Mirror

ડબલ મર્ડર કેસમાં સજા કાપતા પોલીસમેનનું બીમારી સબબ મોત

બજરંગ વાડી પુનિતનગરમાં ચકચારી ડબલ મર્ડરમાં દોષિત ઠરેલા પોલીસમેન કમલેશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા (ઉંમર વર્ષ 45)નું જેલમાં બીમાર પડ્યા બાદ મોત નીપજ્યું હતું. દંપતીની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી જેમાં કમલેશ મહેતાને 25 વર્ષની સજાનો હુકમ થયો હતો. સજા ભોગવવા તે જેલમાં હતા. દરમ્યાન તેને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ગઈકાલે તબિયત લથડતા રાજકોટ સિવિલમાં લાવતા દમ તોડી દીધો હતો.

વર્ષ 2014માં શહેરનાં બજરંગવાડી નજીકના પુનિતનગર-4માં રહેતાં અને આઈઓસીમાં ફરજ બજાવતાં ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ તેરૈયા (ઉંમર વર્ષ 54) અને તેમનાં પત્ની ગુણવંતીબેન (ઉંમર વર્ષ 54)ની છરીનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં આરોપી બી.ડિવિઝન પોલીસ મથકનાં કોન્સ્ટેબલ કમલેશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા સામે ગુનો દાખલ થયો હતો.

મૃતક દંપતિ અને આરોપી કોન્સ્ટેબલનો પરિવાર બાજુ – બાજુમાં એક જ દિવાલે રહેતો હતો. ઘર બહાર દંપતી ખુરશી નાખીને બેસતું હોય, તે બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયેલો. કમલેશભાઈના માતાએ ફોન કરી ડ્યુટી પર રહેલા પુત્રને ઘરે બોલાવેલ જ્યાં બોલાચાલી થયાં પછી કમલેશભાઈએ છરીના ઘા માર્યા હતા. વર્ષ 2020માં કોરોના કાળ ચાલતો હોવાથી કોર્ટે વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી સજા ફરમાવી હતી.

ફરિયાદી પક્ષે માંગ થયેલી કે, ફાંસીની સજા આપવામાં આવે. જોકે કોર્ટે વિધાઉટ રેમિશન 25 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સામાન્ય રીતે 14 વર્ષ બાદ વર્તુણૂંક ધ્યાને લઈ સજા માફી મળે પણ આ કેસમાં ચુકાદા વખતે જ કોર્ટે વિધાઉટ રેમિશન એટલે કે, સજા માફી વગર 25 વર્ષ જેલમાં રહેવાનું તેવો હુકમ કરેલો. કમલેશભાઈ 10 વર્ષથી જેલમાં હતા. ટ્રાયલના 6 વર્ષમાં પણ તેઓને જામીન મળ્યાં નહોતા. મૃતક કમલેશભાઈને સંતાનમાં એક પુત્રી છે, તેઓ પોતે 2 ભાઈ અને 1 બહેનમાં વચેટ હતા. તેઓના પિતા રમેશભાઈ મહેતા પીએસઆઈ હતા. કમલેશભાઈના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડ્યો હતો. મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

Exit mobile version