અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી, છેડતી જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઉપરાંત 31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી દારૂૂની પણ રેલમછેલ થઈ રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હોય તેમ ગઈકાલે રાતે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં 470થી વધુ પીધેલાને પકડી પાડ્યા હતા. જેમને મેડિકલ માટે લઈ જવામાં આવતા સોલા અને અસારવા સિવિલમાં નશેડીઓની લાઈનો લાગી હતી.
હકીકતમાં અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશથી 25 નવેમ્બર રાતે 11 કલાકથી 26 નવેમ્બર સવારે 5 વાગ્યા સુધી એટલે કે 6 કલાક માટે કોમ્બિંગ નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માટે સમગ્ર શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસના જવાનો બ્રેથ એનેલાઈઝર સહિતના સાધનો લઈને ચેકિંગ કરી રહ્યા હતા.
આ 6 કલાક દરમિયાન પોલીસના જવાનોએ કુલ 21,223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતુ. જ્યારે આ દરમિયાન 470થી વધુ લોકો પીધેલા પકડાતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જ્યારે મોટર વ્હીકલ એક્ટ મુજબ 152, જી.પી. એક્ટ અંતર્ગત 199 સામે કેસ દાખલ કર્યો હતો. જ્યારે 1685 લોકોને મેમો પકડાવવામાં આવ્યો હતો. તેમજ એક જ રાતમાં 12,82,200 રૂૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે 1700થી વધુ વાહનો ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.