Site icon Gujarat Mirror

ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરા

ટ્રાફિક ઓફિસ, સાંઢિયાપુુલ, કોટેચા ચોક અને શીતલ પાર્કના રસ્તાઓ બંધ કરી વાહન ચાલકોને ધરાર બાનમાં લેવાના પ્રયાસ

વર્ષોથી જે રસ્તાઓ ઉપર સુચારૂ રીતે વાહનોની અવરજવર થાય છે તે રસ્તા બંધ કરવા પાછળ ટ્રાફિક પોલીસનું ‘હિત’ શું?

રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સ્માર્ટ બનવાને બદલે વધુ ગૂંચવાતી જઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું કામ વાહનવ્યવહારને સુગમ અને સલામત બનાવવાનું હોય છે, પરંતુ રાજકોટમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. શહેરમાં જ્યાં વર્ષોથી વાહનોની અવરજવર સરળતાથી થતી હતી, તેવા ચાલુ અને ધમધમતા રસ્તાઓ પર અચાનક બેરિકેડ્સ મૂકીને બંધ કરી દેવાયા છે. પોલીસના આ ’નવા પ્રયોગો’ અને અખતરાઓએ વાહનચાલકોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. ટ્રાફિક નિયમન સુધારવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે વ્યવસ્થા સુધરવાને બદલે સાવ વણસી ગઈ છે. પોલીસના આ અણઘડ અખતરાને કારણે ટ્રાફિક સુધારવાના બદલે બગડી રહી છે. પોલીસ દ્વારા અપાયેલ આ દિશાહીન’ ડાયવર્ઝનને કારણે રાજકોટના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

પ્રથમ અખતરો ટ્રાફિક ઓફિસ પાસે રસ્તો બંધ થતાં રોંગ સાઇડનું જોખમ વધ્યું
શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર ટ્રાફિક ઓફીસની બિલકુલ નજીક, રૂૂડા બિલ્ડિંગ સામેનો રસ્તો વર્ષોથી અવરજવર માટે ખુલ્લો હતો. હજારો વાહનચાલકો દરરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હતા. રાજકોટના લોકમેળાના ટ્રાફિક નિયમન માટે આ આ રસ્તો કામચલાઉ રીતે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યા બાદ, હવે કાયમી ધોરણે રસ્તો બંધ રાખવાનો નિર્યણ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. જોકે, કોઈ પણ આગોતરા આયોજન કે વૈકલ્પિક વ્યવસ્થા વિના અહીં બેરિકેડ્સ ગોઠવીને કાયમી ધોરણે રસ્તો બંધ કરી દીધો છે. આ અણઘડ નિર્ણયને કારણે જામનગર રોડ તેમજ પારસાણાનગર, જંકશન પ્લોટ,સિંધી કોલોની રેલ્વે સ્ટેશન તરફથી આવતા અને રેસકોર્સ રિંગ રોડ, શ્રોફ રોડ કે કલેક્ટર ઓફિસ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. હવે તેમણે ફરજિયાતપણે જામ ટાવર થઈને લાંબો ફેરો કરવો પડે છે. તેના કારણે જામટાવર ચોકમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. એટલું જ નહી જામટાવર નજીક આવેલ સિવિલ અને રેલ્વે હોસ્પિટલ તરફ અવર જવર કરતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. વાહન ચાલકો જામનગર રોડ તરફ થી રેસકોર્સ રીંગ રોડ કે શ્રોફ રોડ તરફ જ્યાં આસાની થી જઈ શકતા થા હવે તેમણે ફોગટ નો ફેરો વધ્યો છે અને સમય અને ઈંધણનો બગાડ બચાવવા માટે અનેક વાહનચાલકો મોરબી હાઉસ પાસેથી રૂૂડા બિલ્ડિંગ સુધી જોખમી રીતે રોંગ સાઇડ વાહનો હંકારી રહ્યા છે. પોલીસના એક નાનકડા અખતરાએ આ આખા પટ્ટાને અકસ્માતના ઝોનમાં ફેરવી નાખ્યો છે.

સાંઢિયા પુલ ખુલ્યો પણ સગવડને બદલે અગવડની ભેટ મળી
રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે જામનગર રોડ તરફનો નવનિર્મિત ’સાંઢિયા પુલ’ જ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ રાજકોટના લોકોને આશા હતી કે બ્રિજ શરૂૂ થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પરંતુ અહીં પણ ટ્રાફિક તંત્રની અણઆવડત આડે આવી છે. બ્રિજ ખુલતાની સાથે જ સગવડને બદલે અગવડતાનો નવો અધ્યાય શરૂૂ થયો છે.

સાંજ પડતાં જ સાંઢિયા પુલ પર વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. અને રેલનગર અંડરબ્રિજ તરફના જતા અને રેલનગર અને જામનગર રોડ થી ભોમેશ્વર મંદિર તરફ જતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. બન્ને ભાગમાં ટ્રાફિક બેરિકેડ મૂકીને વાહનોને આડેધડ ડાયવર્ટ કરવામાં મજબુર કરવામાં આવ્યા છે, જે આ જામનું મુખ્ય કારણ છે. વધુમાં, જામનગર રોડ સાંઢીયા પુલ પાસે ડાબી તરફથી ભોમેશ્વર તરફ જવા ડાયવર્ઝન અપાયું છે. પરતું આ કમ્મરતોડ કાચા રસ્તે વાહન ચલાવનારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ રાત્રે આ સુમસાન રસ્તે લુખ્ખાઓ અને દારૂૂ પીધેલા અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેઠા રહેતા હોય અહીંથી પસાર થતી મહિલાઓની સુરક્ષા શું ? આવા મુદ્દાને ધ્યાને લીધા વિના રસ્તા બંધ કરી ટ્રાફિક પોલીસ બુદ્ધીનું પ્રદર્શન કરી રહી છે, તેના કારણે ભોમેશ્વર વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીસો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રેલનગર તરફ જવા પણ વાહન ચાલકોએ લોકો કોલોની સુધી કિલોમીટરોનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે.

કોટેચા ચોક પણ બંધ કરી ત્રીજો અખતરો
ટ્રાફિક પોલીસના આ પ્રયોગો માત્ર જામનગર રોડ પૂરતા સીમિત નથી. પશ્ચિમ રાજકોટના હૃદય સમાન કોટેચા ચોકમાં પણ ટ્રાફિક પોલીસે આવો જ એક આંચકાજનક નિર્ણય લીધો છે. કોટેચા ચોકમાં છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી બેરિકેટિંગ કરીને એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવાયો છે. જેના કારણે યુનિવર્સીટી રોડ, ઇન્દિરા સર્કલ અને નિર્મલા કોન્વેન્ટ રોડ તરફથી આવતા વાહન ચાલકો જેમને કેકેવી સર્કલ કે કાલાવડ રોડ તરફ જવું હોય તેવા વાહનચાલકોને મહિલા કોલેજ અંડરબ્રિજ સુધી લાંબુ થવું પડે છે. કારણ કે વાહન ચાલકો માટે મહિલા કોલેજ અંડરબ્રિજ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે પીક અવર્સ દરમિયાન ખાસ કરીને શાળા કોલેજ છુટવાના સમય તેમજ સાંજના 6 થી 8 સુધી કોટેચા ચોક તેમજ કાલાવડ રોડ ઉપર દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે. તેમજ મહિલા કોલેજ અંડરબ્રિજ આસપાસ ટ્રાફિકનું ભારણ અસહ્ય બની જાય છે.ટ્રાફિકથી ધમધમતા કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવ્યું હોય જેને કારણે ટ્રાફિક જામ ઓછો થયો હતો ત્યારે કોટેચા ચોકમાં વગર વિચારે બેરિકેડ્સ ખડકી દેવાતા ભારે ટ્રાફિક જામ થાય છે જેના કારણે વાહનચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

શીતલ પાર્ક ચોકમાં બેરીકેટ મારી સ્થાનિકોને બાનમાં લઇ મનમાની
150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકમાં ટ્રાફિક પોલીસે બેરીકેટ મારી સ્થીનીકોને બાનમાં લઇ મનમાની શરૂૂ કરી છે. એક તરફ ખાનગી મેળાના કારણે સાજે 6 થી 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ થાય છે.ત્યારે શીતલ પાર્ક ચોકમાં ટ્રાફિક પોલીસે બેરીકેટ મારી એરપોર્ટ રોડ થી શીતલ પાર્ક તરફ આવતા વાહનોને રામદેવપીર ચોકડી ડાયવર્ટ કરવા ધરાર ફરજ પાડી છે. તેમજ આર,કે વલ્ડ ટાવર તરફ થી આવતા વાહનોને શીતલ પાર્ક ચોક થી જવા દેવને બદલે અયોધ્યા ચોક ફેરો ફરવા જવા ફરજ પાડવામાં આવી રહી છે. તેમજ આસપાસ રહેતા સ્થાનિક રહીશોને પણ નજીકમાં ઘર હોવા છતાં લાંબો ફેરો કરી જવા ધરાર ફરજ પાડવામાં આવી રહી છે. સ્થાનિકોને પોતાના ઘર તરફ જતા રોકતા રોજ સાંજે ચક્કાજામ થાય છે. શીતલ પાર્ક ચોકમાં મેળા માટે ટ્રાફિક પોલીસની આ નીતિ અનેક સવાલો ઉભા કરે છે.

રાજકોટના નાગરિકો બુદ્ધિવગરના છે: ડીસીપી ટ્રાફિક
રાજકોટમાં અલગ અલગ ચાર જગ્યાએ જાહેરનામુ બહાર પડ્યા વિના કે, સ્થાનિકોના અભિપ્રાય લીધા વિના જામનગર રોડ ઉપર રૂૂડા બિલ્ડીંગ પાસે, સાંઢિયા પુલ પાસે તેમજ કોટેચા ચોક અને શીતલ પાર્ક પાસે બેરીકેટ મારી રસ્તા બંધ કરવા બાબતે જયારે ટ્રાફિકના ડીસીપી હરપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરી તો તેમણે રાજકોટના નાગરિકોનું અપમાન કરી રાજકોટવાળા બુદ્ધિવગરના હોવાનું જણાવી, રાજકોટની પ્રજાને ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ નથી તેવી વાત કરી હતી, તેમજ આ રસ્તા બંધ કરવાથી ટ્રાફિક સમસ્યા ઓછી થઇ હોવાની વાત કરી હતી, ટ્રાફિક ડીસીપીએ રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જતા અને આડેધડ પાર્કિગ કરી બેફામ રીતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો કદાચ નિયમનું પાલન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા ઓછી કરવા માટે રાજકોટના પ્રબુધ નાગરિકો કે, આગેવાનોનો અભિપ્રાય લેવાનું પણ ટ્રાફિકના અધિકારીઓને મુનાસિબ નહી લાગ્યું હોય તેથી જ આવા એક તરફી નિર્ણય લઇ રાજકોટના નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. રાજકોટના રાજકીય નેતાઓને પણ જે લોકએ તેમણે મત આપીને જીતાડ્યા છે તેમના પ્રશ્નમાં પણ કોઈ રસ નહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Exit mobile version