Site icon Gujarat Mirror

જામનગર નવા નાગના ગામે કચરો- મૃત ઢોરના ઢગલાથી લોકો ત્રાહિમામ

જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ અને મૃત ઢોર નો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવતો હોવાથી આજે ત્રણ ગામના સ્થાનિક રહેવાસીઓ એ મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં મોઢે મુંગા બાંધીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એક માસની મુદ્ત આપી હતી. આ પછી તમામ લોકો મહાનગરપાલિકા કચેરીમાં ડેરા-તંબુ તાણશે તેવી ચિમકી પણ આપી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાગના ગામ નજીક વેસ્ટ નો અને મૃત ઢોર નો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આખા ગામ નો કચરો ત્યાં ઠાલવાતો હોવા થી ત્યાં કચરા ના ગંજ ખડકાયા છે તથા મૃત ઢોરનો પણ ત્યાં નિકાલ થતો હોવાથી ભારે દુર્ગંધ ફેલાતા આજુબાજુના ત્રણ ગામના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દો છેલ્લા ત્રણ વર્ષથી ઊઠાવવામાં આવી રહ્યો છે, છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં લેતું નથી.

નવાનાગના, જુના નાગના અને વિભાપર ગામ ના અનેક લોકો આજે જામનગર મહાનગરપાલિકા કચેરી માં પહોંચ્યા હતાં અને મોઢે મૂંગા બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવાનાગના ગામ ની રહેણાંક સોસાયટી થી માત્ર પ0 મીટરના અંતરે દરરોજ ર0 થી 30 મૃત પશુઓ નો નિકાલ કરવામાં આવે છે. પરિણામે ત્રણ ગામ ના આશરે 1ર હજાર લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.લોકો એ આક્ષેપ કર્યો હતુંકે મ્યુનિ. કમિશનર દ્વારા ઓફિસ માં બેસી ને નિર્ણયો લેવામાં આવે છે, જે લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. આથી આજે અનેક લોકોએ કમિશનર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરી પોતાના પ્રશ્નને વાચા આપવા માગણી દોહરાવી હતી.

સ્થાનિક રહેવાસી પ્રકાશ દોંગા એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ કમિશનર, ધારાસભ્ય અથવા મેયર ના બંગલા પાસે શા માટે થતી નથી ? જો આગામી 30 દિવસમાં આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો ત્રણેય ગામના લોકો બીસ્તરા-પોટલા સાથે મહાનગરપાલિકા કચેરીમાં કાયમી વસવાટ માટે આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી હતી.

Exit mobile version