દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને નોકરી અપાવવાની લાલચે સાથે લઇ દોઢ માસ સુધી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી
રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ઇન્ટરવ્યૂ અપાવવાની અને નોકરી અપાવી દેવાની લાલચ આપી પાટણવાવના શખ્સે દોઢ માસ સુધી પોતાની સાથે રાખી દુષ્કર્મ આચર્યું હોવાના ગુનામાં ધોરાજી કોર્ટ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજાનો હુકમ કરી પકડ વોરંટ ઇસ્યુ કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા હુસેન ભીખા ઠેબા સામે 17 વર્ષની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ નોંધાતા પાટણવાવના અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાએ ભોગ બનેલી સગીરા અને તેના પરિવારનો સંપર્ક કરી સગીરાને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અપાવી દેવાની અને નોકરીમાં રખાવી દેવાની લાલચ આપી બે દિવસ સાથે લઈ જવાનું કહી સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દોઢ મહિના સુધી સાથે રાખી અવાર નવાર સગીરા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ દરમિયાન સગીરા સાથે ઝાંઝમેરના વિપુલ ઉર્ફે જેનતી બગડાએ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બંને વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા ફટકારી પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. જ્યારે અન્ય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.