ગોંડલ રાજકોટ ડેઇલી પેસેન્જર યુનિયનના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા ગોંડલના સ્ટેશન માસ્તરને રૂૂબરૂૂ મળીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ રજૂઆતમાં મુસાફરોની વેદનાને વાચા આપતા જણાવવામાં આવ્યું છે કે રાજકોટ-વેરાવળ સેક્શન પર દોડતી ટ્રેનોમાં હવે મુસાફરી કરવી જોખમી બની ગઈ છે.
ગાડી સંખ્યા 59421 અને 59422 માં મુસાફરોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે વૃદ્ધો અને મહિલાઓને ટ્રેનમાં ચડવું પણ મુશ્કેલ બન્યું છે.
ખાસ કરીને કેશોદ, જૂનાગઢ, જેતલસર અને ગોંડલથી અપ-ડાઉન કરતા હજારો લોકો આ સમસ્યાથી ત્રસ્ત છે. રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે સાંજે 6:30 વાગ્યા પછી રાજકોટથી વેરાવળ તરફ જવા માટે કોઈ ટ્રેન નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જવું પડે છે.
રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનોમાં તાત્કાલિક અસરથી વધારાના કોચ જોડવામાં આવે. મુસાફરોની સગવડતા માટે સાંજની 6:30 પછી એક વધારાની ટ્રેન દોડાવવામાં આવે. પ્રતિપાલસિંહ ઝાલાએ માંગ કરી છે કે રેલવે તંત્ર અને સાંસદ મહોદય આ ગંભીર સમસ્યાનો જલદી ઉકેલ લાવે જેથી સામાન્ય જનતાને રાહત મળે. ગોંડલ પેસેન્જર યુનિયનની આ રજૂઆત બાદ હવે દડો રેલવે તંત્રના પાલામાં છે. જો આગામી દિવસોમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો મુસાફરોમાં આક્રોશ વધુ વધવાની શક્યતા છે.

