Site icon Gujarat Mirror

સુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર

મનોહર મંદિરનો વિવાદ ભડકતા ગામ સજ્જડ બંધ, પોલીસ કાફલો ઉતારાયો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે. મંદિરના મહંતોની કથિત જોહુકમી અને દાદાગીરીથી ત્રસ્ત ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા સુપેડી ગામ સજ્જડ બંધ રાખ્યું હતું. એટલું જ નહીં, રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરતા મામલો ઉગ્ર બન્યો છે અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુપેડી ગામના લોકોનો આક્ષેપ છે કે મંદિરના બની બેઠેલા મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડી.સી. પટેલ દ્વારા ભારે દાદાગીરી કરવામાં આવે છે.

ગ્રામજનોનો આરોપ છે કે મંદિરમાં દર્શનાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે અને મહંતો દ્વારા ’આ મંદિર મારા બાપનું છે’ તેવું કહીને લોકોને અપમાનિત કરી ગેરવર્તન કરવામાં આવે છે. આ ઘટનાને પગલે લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. વિરોધ દર્શાવવા માટે ગામના પ્રવેશદ્વાર અને ચોકમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે અને સમસ્ત સુપેડી ગામ તથા ધંધા-રોજગાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.આ વિવાદે હવે રાજકીય સ્વરૂૂપ પણ ધારણ કર્યું છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ રીક્ષામાં લાઉડસ્પીકર લગાવીને જાહેરાત કરી છે કે, કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ પ્રચાર માટે ગામમાં પ્રવેશવું નહીં. ગામલોકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ મહંતોને મંદિરમાંથી બહાર કાઢવામાં નહીં આવે અને મંદિર સરકાર હસ્તક નહીં લેવાય, ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે.બીજી તરફ, આ સમગ્ર વિવાદ મામલે મંદિરના મહંત રવિદાસ બાપુએ મીડિયા સમક્ષ આવીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે અને ગ્રામજનોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. મહંતે જણાવ્યું હતું કે આ મંદિર સનાતન ધર્મનું છે અને તે સર્વસમાજ માટે હંમેશા ખુલ્લું છે.

મુરલી મનોહર મંદિરના વિવાદનો આવ્યો ઉકેલ

છેલ્લા ઘણા સમયથી સુપેડીના મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે જેનાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા મુરલી મનોહર મંદિરના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. ગ્રામજનોની મક્કમતા અને ઉગ્ર આંદોલનને પગલે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટે નમતું જોખવું પડ્યું છે. આ વિવાદ એટલો વકર્યો હતો કે ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, પરંતુ હવે સમાધાન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવાદના કેન્દ્રમાં રહેલા રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડી.સી. પટેલે આખરે મંદિર છોડવાની તૈયારી દર્શાવી છે. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં મળેલી બેઠકમાં આ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામજનોની માગ હતી કે મંદિરનું સંચાલન યોગ્ય રીતે થાય અને વિવાદિત વ્યક્તિઓ દૂર રહે. આ માગણી સ્વીકારાતા જ ગ્રામજનોએ પોતાનું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. મંદિરના વહીવટ અને કબજાને લઈને છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો અને ટ્રસ્ટ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો, જેના કારણે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ હતી. હવે આ વિવાદ શમતા સુપેડી ગામે ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ સ્થાપિત થયું છે.

Exit mobile version