રાષ્ટ્રીય

કેન્દ્રના બજેટમાં બે જ રાજ્યોને લાભ, નાણામંત્રી ધર્મ ચૂક્યા

Published

on

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને લહાણી કરાઈ અને બીજાં રાજ્યોની સાવ અવગણના કરાઈ એ મુદ્દો ચગ્યો છે. આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતાં સંસદની બહાર અને ગૃહમાં અંદર એમ બંને ઠેકાણે ભારે દેકારો મચાવી દીધો છે. વિપક્ષોનો આક્ષેપ છે કે, નિર્મલાના બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર એ બે રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ જ જાહેરાતો કરવામાં આવી નથી. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં સરકારના માથે બરાબરમાં માછલાં ધોયાં. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગેએ તો કટાક્ષ કર્યો કે, બજેટમાં ફક્ત બે રાજ્યોની થાળીમાં પકોડા દેખાય છે અને બીજાં રાજ્યોને કશું મળ્યું નથી.

આ બજેટ માત્ર ભાજપના સહયોગીઓને સંતોષવા માટે છે અને સરકારે બીજા કોઈને કંઈ આપ્યું નથી. વિપક્ષોએ આ મામલે રાજ્યસભામાંથી વોકઆઉટ પણ કરી દીધો અને સંસદની બહાર પણ ધરણાં કર્યાં. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદની બહાર ભાજપ સરકારે બીજાં રાજ્યોને અન્યાય કર્યો હોવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યો સિવાય બીજાં રાજ્યોને કશું અપાયું જ નથી. આ બિલકુલ અન્યાય છે ને તેનો બચાવ થઈ શકે તેમ જ નથી પણ ભાજપના નેતા ને સરકારના મંત્રી તરીકે એ બીજું કશું બોલી શકે તેમ નથી. મોદીભક્તિ કરીને ટકેલા પીયૂષ ગોયલ પાસે એ સિવાય આરો નથી તેથી તેમને માફ કરી દેવાય પણ નિર્મલા સીતારમણે જે વાત કરી એ આઘાતજનક છે. નિર્મલાના કહેવા પ્રમાણે, દરેક બજેટમાં દરેક રાજ્યનો ઉલ્લેખ કરાય એ જરૂૂરી નથી ને એ શક્ય પણ નથી.

કોઈ રાજ્યનો ઉલ્લેખ ના કરાય તેનો મતલબ એ નથી કે, આ રાજ્યો કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો નથી મેળવી રહ્યાં. આ દેશનાં નાણાં પ્રધાન તરીકે નિર્મલા સીતારમણની ફરજ હતી કે, તમામ રાજ્યોને સરખા હિસ્સે બધું વહેંચે. કેન્દ્ર સરકાર પાસે જે પૈસો આવે છે એ આખા દેશમાંથી આવે છે અને તેમાંથી કેન્દ્રનું બજેટ બને છે. આ બજેટમાં બધાં રાજ્યોને હિસ્સો મળવો જોઈએ, બે રાજ્યો જ બધું લઈ જાય એ ના ચાલે. દેશનાં નાણાં પ્રધાન તરીકે વર્તવાના બદલે મોદીની સત્તાલાલસા સંતોષવા માટેનો હાથો બનનારાં નિર્મલા દેશના નાણાં પ્રધાન તરીકેનો પોતાનો ધર્મ ચૂક્યાં છે. તેના માટે લાજવાના બદલે એ ગાજી રહ્યાં છે એ જોઈને આઘાત લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version