બગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!

રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ આજે સમાજની રાજકીય અને સામાજિક એકતાના મંચની સાથે સાથે નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો…

રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ આજે સમાજની રાજકીય અને સામાજિક એકતાના મંચની સાથે સાથે નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો હતો. આગામી 1લી ફેબ્રુઆરીના રોજ ભાવનગરના બગદાણા ખાતે કોળી સમાજના યુવાન પર થયેલા અત્યાચારના વિરોધમાં એક સંમેલનનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, આ સંમેલનને લઈને આજે સમાજના ટોચના નેતાઓ વચ્ચે બે અલગ અલગ સૂર જોવા મળ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બગદાણા સંમેલન અંગે અજાણતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બગદાણા પ્રકરણમાં સરકાર ગંભીર છે અને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આદેશથી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના થઈ ચૂકી છે.

હાલ તપાસ ચાલુ છે અને જે પણ કસૂરવાર હશે તેની સામે કડક કાર્યવાહીની ખાતરી મળી છે. વધુમાં તેમણે સંમેલનના આયોજકો સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 1લી ફેબ્રુઆરીના સંમેલનની જાણ મારા સુધી પહોંચી નથી. કોઈ એક-બે વ્યક્તિઓ વ્યક્તિગત રીતે જાહેરાત કરે તો તેમાં આખો સમાજ ઉપસ્થિત રહે તે જરૂૂરી નથી. સંમેલન પાછળનો એજન્ડા અને માંગણી નક્કી થયા બાદ જ સમાજ ટેકો આપતો હોય છે. હાલ સરકારે આપેલા ભરોસાને માન્ય ગણી તપાસ પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ.સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કુંવરજીભાઈના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ કે મને પ્રદેશના આગેવાન હોવા છતાં આ સંમેલન વિશે કોઈ જાણ કરવામાં આવી નથી.

બીજી તરફ, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એ આક્રમક તેવર દાખવતા સમાજના અધિકારોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સીટની તપાસ ભલે ચાલુ હોય, પરંતુ સમાજને પોતાના હક અને અધિકાર માટે લડવાનો અને એકઠા થવાનો પૂરો અધિકાર છે. જો બગદાણા સંમેલનના આયોજકો મને આમંત્રણ આપશે તો હું ચોક્કસ જઈશ. હું હંમેશા સમાજની સાથે છું.