Site icon Gujarat Mirror

કુદરતી રીતે મળે તે જ રિયલ ડાયમંડ, લેબગ્રોન હીરો કૃત્રિમ

ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

સુરત સહિત દેશભરમાં લેબોરેટરીમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડનું રિયલ ડાયમંડના નામે વેંચાણ કરી ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી હવે બંધ થશે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બી.આઇ.એસ.) દ્વારા કુદરતી અને કૃત્રિમ (લેબગ્રોન) ડાયમંડની ઓળખ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ કુદરતી રીતે મળતા હીરાને રિયલ ડાયમંડ તરીકે ઓળખવામાં આવશે જયારે લેબોરેટરીમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડને ‘લેબોરેટરી ગ્રોન ડાયમંડ’ કે ‘લેબોરેટરી ક્રિએટેડ ડાયમંડ’ તરીકે ઓળખવામાં આવશે.

લેબગ્રોન અને નેચરલ ડાયમંડ વચ્ચે વધતા વિવાદને લઈને BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)એ નવી ગાઈડલાઈ જારી કરી છે, જે મુજબ કુદરતી રીતે મળે તેને જ ડાયમંડ કહી શકાશે. લેબગ્રોન હીરાને વેચતી વખતે ઓળખ સ્પષ્ટ લખવી ફરજિયાત રહેશે. દેશમાં હીરાવેપારમાં પારદર્શિતા લાવવા આ નિર્ણય લેવાયો છે. હવે દેશમાં ‘ડાયમંડ’ શબ્દનો ઉપયોગ માત્ર કુદરતી હીરા માટે જ કરી શકાશે, જેથી લેબગ્રોન બાબતને લઈને ગેરસમજ દૂર થશે. દાગીના કે જાહેરાતમાં ‘ડાયમંડ’ શબ્દ વપરાય તો તે કુદરતી રીતે મળેલા હીરા માટે જ માન્ય ગણાશે.

નેચરલ ડાયમંડ પૃથ્વીના પેટાળમાં 150200 કિમી ઊંડાઈએ કરોડો વર્ષોમાં કુદરતી રીતે બને છે. ત્યાં ઊંચા દબાણ અને 12001500 સેલ્સિયસ તાપમાને કાર્બન ધીમે ધીમે હીરાના ક્રિસ્ટલમાં પરિવર્તન પામે છે. પછી જ્વાળામુખી વિસ્ફોટથી આ હીરા સપાટી પર આવે છે, જેને ખાણ ખોદીને કાઢવામાં આવે છે.

જયારે લેબગ્રોન ડાયમંડ લેબગ્રોન હીરા લેબમાં HPHT (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) અને CVD (કેમિકલ વેપર ડિપોઝિટ) એમ બે પદ્ધતિથી બને છે. ઇંઙઇંઝમાં ભારે દબાણ, ઊંચા તાપમાને કાર્બનને ક્રિસ્ટલમાં ફેરવે છે. ઈટઉમાં ગેસ ચેમ્બરમાં કાર્બન લેયર જમાવી હીરા ઉગાડાય છે, જે કુદરતી જેટલા જ મજબૂત-ચમકદાર હોય છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં લેબગ્રોનની માંગ વધી છે. ભાવ ઓછો હોવાથી ઘણા ગ્રાહકો કુદરતી અને લેબગ્રોન વચ્ચેનો ફરક સમજ્યા વગર ખરીદી કરે છે. હવે સ્પષ્ટ માહિતી મળશે કે તેઓ કુદરતી હીરા ખરીદી રહ્યા છે કે લેબમાં બનાવેલા. ખાસ કરીને ઓનલાઈન અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર આ નિયમો ગ્રાહકો માટે સુરક્ષાકવચ સમાન બનશે.

હવે લેબગ્રોન માટે ‘LGD’, ‘લેબ ડાયમંડ’ કે ‘લેબગ્રોન’ જેવા ટૂંકા શબ્દોને બદલે ‘લેબોરેટરી ગ્રોન ડાયમંડ’ કે ‘લેબોરેટરી ક્રિએટેડ ડાયમંડ’ લખવું ફરજિયાત રહેશે. નેચરલ ડાયમંડ, પ્યોર ડાયમંડ, ઈકો ફ્રેન્ડલી ડાયમંડ કે કલ્ચર્ડ ડાયમંડ જેવા શબ્દોનો ઉપયોગ પણ નહીં કરાય. ‘કુદરતી હીરાની ઓળખ મજબૂત થશે અને બજારમાં વિશ્વાસ વધશે. સાથે સાથે લેબગ્રોન પણ પોતાની અલગ ઓળખ જમાવશે. હવે વેચાણ, સર્ટિફિકેટ અને માર્કેટિંગમાં સ્પષ્ટ શબ્દ અપનાવવો પડશે. લાંબા ગાળે ભારતીય ઉદ્યોગની વિશ્વસનીયતા વધશે. જગદીશ ખૂંટ, પ્રમુખ, ડાયમંડ એસોસિએશન, એક્સપર્ટ

Exit mobile version