જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ઓળંગી રહેલી બે બહેનોને એક કારના ચાલકે હડફેટમાં લેતા બંને બહેનો ઈજા ગ્રસ્ત બની હતી. જે પૈકી એક બહેનનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજી બહેન સારવાર હેઠળ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફાર્મ પાસે એક ઝુપડામાં રહેતી અમરીબેન તુલસીભાઈ મકવાણા નામની 39 વર્ષની મારવાડી યુવતી, કે જે પોતાની નાની બહેન યશોદાબેન નું (ઉ.વર્ષ 25) સાથે સમર્પણ સર્કલ પાસે રસ્તો ઓળંગી રહી હતી, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.ઇ. 7876 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બંને બહેનો અમરીબેન તથા જશોદાબેન ને ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યશોદાબેન ને હેમરેજ સહિતની ઇજા થઈ હોવાથી તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત બનેલી ફરિયાદી અમરીબેન તુલસીભાઈ મકવાણા, કે જેને જી.જી. હોસ્પિટલ ના બીછાને સારુવાર હેઠળ છે, અને તેણી એ પોતાને તથા પોતાની બહેનને ઇજાગ્રસ્ત બનાવી દઈ, નાની બહેનનું મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ એમ.એમ. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
