Site icon Gujarat Mirror

હવે નાટો સાથે અમેરિકા છેડો ફાડવાની તૈયારીમાં

તો પશ્ર્વિમ દેશોની સંરક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર થશે, નાટોના વડા માર્ક રૂટે સાથે ટ્રમ્પની મીટિંગ

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસરો હવે વૈશ્વિક રાજકારણ પર પણ જોવા મળી રહી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાએ જે સૈન્ય કાર્યવાહી કરી છે, તેનાથી નાટો (NATO) ગઠબંધનના દેશો ખુશ નથી અને બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. આ વિવાદને ઉકેલવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના વડા માર્ક રૂૂટે સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે નાટો ગઠબંધન છોડવાની તૈયારી બતાવતા વિશ્વભરમાં ચર્ચા જાગી છે. અમેરિકાના આ વલણથી પશ્ચિમી દેશોની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો ગઠબંધનથી અલગ થવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે આ ગઠબંધન હવે પહેલા જેવું મજબૂત રહ્યું નથી અને તે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું છે. ટ્રમ્પની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી, ત્યારે યુરોપના સાથી દેશોએ તેમને સહયોગ આપ્યો નથી.બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ નાટોના વડા માર્ક રૂૂટે સાથે બેઠક કરી હતી, જેમાં સભ્ય દેશો વચ્ચે જવાબદારીઓની વહેંચણી અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, અમેરિકાના રિપબ્લિકન પક્ષના કેટલાક નેતાઓ ટ્રમ્પના વલણથી અલગ વિચાર ધરાવે છે. આ નેતાઓનું માનવું છે કે નાટો ગઠબંધન મજબૂત હોવું તે અમેરિકાના પોતાના હિતમાં છે.

વ્હાઇટ હાઉસે હાલ પૂરતું સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ટ્રમ્પ અને નાટો વડા વચ્ચેની બેઠક સંપન્ન થઈ છે.
પરંતુ નીતિમાં ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્ષ 1949થી પશ્ચિમી દેશોની સુરક્ષા માટે જે ગઠબંધન મુખ્ય આધાર રહ્યું છે, તેના વિશે ટ્રમ્પના કડક વલણે સમગ્ર યુરોપના દેશોમાં ચિંતા વધારી દીધી છે.

 

કોઇપણ હુમલો કરતા પહેલાં ટ્રમ્પે સંસદની મંજૂરી લેવી પડશે
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવની વચ્ચે હવે અમેરિકાના પોતાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી યુદ્ધ કે સૈન્ય હુમલા ન કરી શકે તે માટે ત્યાંના સાંસદો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આવતા અઠવાડિયે સંસદમાં એક ખાસ પ્રસ્તાવ લાવવામાં આવશે, જે મુજબ ઈરાન પર કોઈપણ હુમલો કરતા પહેલા પ્રમુખે સંસદની મંજૂરી લેવી ફરજિયાત બનશે. વિરોધ પક્ષના નેતા ચક શૂમરનું કહેવું છે કે, દેશ અત્યારે એક ખતરનાક વળાંક પર છે, તેથી યુદ્ધ જેવા મોટા નિર્ણયો લેવાની સત્તા માત્ર એક વ્યક્તિ પાસે હોવાને બદલે સંસદ પાસે હોવી જોઈએ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી કે જો તેઓ સમુદ્રી માર્ગ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરી દેશે. ટ્રમ્પના આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો હતો અને વિરોધ પક્ષોએ તેમની ભારે ટીકા કરી હતી. જોકે, ટ્રમ્પે અંતિમ સમયે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત તો કરી, પરંતુ વિપક્ષી સાંસદો હવે એવું ઈચ્છે છે કે ટ્રમ્પ ભવિષ્યમાં પોતાની મરજીથી આવી કોઈ ખતરનાક નીતિ કે યુદ્ધના નિર્ણયો ન લઈ શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ. અમેરિકન બંધારણ મુજબ, યુદ્ધ જાહેર કરવાનો અધિકાર સંસદ પાસે છે, પરંતુ પ્રમુખ ઘણીવાર તાત્કાલિક જોખમ અથવા ટૂંકા ગાળાની કાર્યવાહીના બહાને આ નિયમનો ભંગ કરીને પોતાની રીતે સૈન્ય નિર્ણયો લેતા હોય છે. ટ્રમ્પ આ જ છટકબારીનો ઉપયોગ કરીને લાંબા સમયથી જંગ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે પણ ટ્રમ્પના આ વલણને ’બેજવાબદાર’ ગણાવીને યુદ્ધની સત્તા મર્યાદિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટીનું સામાન્ય બહુમતી ધરાવતું ગૃહ આ પ્રસ્તાવને પસાર થવા દે છે કે નહીં.

Exit mobile version