આખી દુનિયાની જેના પર નજર હતી એ બાંગ્લાદેશની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ સ્પષ્ટ બહુમતી મેળવતાં તારિક વડા પ્રધાન બનશે એ નક્કી થઈ ગયું છે. બાંગ્લાદેશ સંસદમાં કુલ 300 બેઠકો છે. બાંગ્લાદેશના ચૂંટણી પંચે સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતૃત્વ હેઠળના ગઠબંધને 181 બેઠકો તો જીતી લીધી છે તેથી સ્પષ્ટ બહુમતી તો છે જ. હજુ બીજી 40 બેઠકો પર બીએનપી આગળ છે એ જોતાં તારિક રહેમાનની પાર્ટી સરળતાથી બે તૃતીયાંશ બહુમતીના આંકડાને પાર કરી લેશે એ સ્પષ્ટ છે.
શેખ હસીનાની બાંગ્લાદેશ અવામી લીગ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ હોવાથી મુખ્ય જંગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી વચ્ચે હતો. જમાતને 70 બેઠકો મળી છે અને સ્પષ્ટ બહુમતી માટે 150 બેઠકો જોઈએ એ જોતાં તારિક રહેમાન સામે કોઈ પડકાર જ નથી ને તેમનો તાજપોશીનો રસ્તો બિલકુલ સાફ છે. જમાત-એ-ઈસ્લામીએ ચૂંટણીમાં ગરબડના આક્ષેપો કર્યા છે પણ ચૂંટણી પંચે આ વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી છે તેથી તારિકની તાજપોશીને કોઈ રોકી નહીં શકે એ સ્પષ્ટ છે. વિદેશી સરકારોના વડાઓએ તારિક પર અભિનંદનની વર્ષા કરવા માંડી છે તેથી જમાત તેની સામે પડવાની હિંમત પણ નહીં કરે.
આ સંજોગોમાં મોટા ભાગે તો શનિવારે એટલે કે આજે જ તારિકની શપથવિધી થઈ જશે ને બાંગ્લાદેશને નવી સરકાર મળી જશે.તારિક રહેમાન બાંગ્લાદેશમાં જીતના દાવેદાર મનાતા હતા પણ આવી જબરદસ્ત જીતની કોઈને આશા નહોતી. તારિકનો જબરદસ્ત ઉદય લોકોને નસીબમાં માનતા કરી નાખે એવો છે કેમ કે હજુ ત્રણ મહિના પહેલાં લગી તારિક રહેમાનને બાંગ્લાદેશની બહાર બહુ ઓછા લોકો ઓળખતા હતા. તારિક રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રમુખ ઝિયાઉર રહેમાન અને બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. ખાલેદા ઝિયા અને શેખ હસીના એકબીજાનાં કટ્ટર રાજકીય હરીફ હોવાથી 2008માં હસીનાએ સત્તા કબજે કરી પછી તારિક બાંગ્લાદેશ છોડીને યુકે જતા રહેલા.
સાત વર્ષમાં સાત વાર તો ખાલિદાને જેલભેગાં કરી દેવાયાં. ખાલિદા નજરકેદ તો કેટલો સમય રહ્યાં કે કોઈ હિસાબ જ નથી. બીજા અત્યાચારો તો અલગ પણ ખાલિદા ના નમ્યાં તે ના જ નમ્યાં. ઈરશાદે 1986માં તમાશારૂૂપ ચૂંટણી કરી ત્યારે શેખ હસીનાની અવામી લીગ સહિતની પાર્ટીઓએ ઘૂંટણ ટેકવીને ચૂંટણીમાં ભાગ લીધેલો પણ ખાલિદાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને મર્દાના મિજાજનો પરચો આપ્યો હતો. વિદેશ નીતિમાં પણ ખાલિદાએ પાકિસ્તાન કે ચીનને બાંગ્લાદેશમાં ઘૂસવા નહીં દઈને મર્દાના મિજાજ બતાવેલો. ખાલિદા ઝિયા કહેતાં કે, બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે. આ કારણે ભારત સાથે ટકરાવ પણ થતો પણ ભારત તરફ ખાલિદાએ કદી ખાર નહોતો બતાવ્યો કે, પાકિસ્તાન કે ચીનના ખોળામાં બેસીને ભારતને નુકસાન પણ નહોતું કર્યું

