અંબાજીથી ગુજરાત યાત્રાનો કરશે પ્રારંભ, 17મી સુધી સતત પ્રવાસ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ સમિતિના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આગામી તા.10 થી 17 ગુજરાતભરમાં પ્રદેશ પ્રમુખનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ જગદીશ વિશ્ર્વકર્મા તા.10 થી 17 ઓકટોબર દરમિયાન ગુજરાતના ચારેય ઝોનમાં જિલ્લા વાઈઝ પ્રવાસ કરનાર છે અને રાજકોટમાં તા.15મી ઓકટોબરના રોજ આવે તેવી શકયતા છે. જો કે હજુ કાર્યક્રમ ફાઈનલ થયો નથી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનો સંપર્ક કરતાં તેમણે જણાવેલ કે, હજુ પ્રદેશ પ્રમુખનો રાજકોટનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. સાંજ સુધીમાં પાર્ટીમાંથી કાર્યક્રમ આવી જવાની આશા છે.
સુત્રોના કહેવા મુજબ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સતત એક અઠવાડિયું ગુજરાતનો પ્રવાસ કરનાર છે. તા.10 મીએ અંબાજીથી ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે અને પ્રથમ રાઉન્ડમાં મહાનગરોનો પ્રવાસ કરી સંગઠનના લોકો સાતે બેઠકો યોજાનાર હોવાનું જાણવા મળે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્ર્વકર્માનો રાજ્યભરનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો હોય સંગઠનના લોકો તેમનું ભવ્ય સ્વાગત કરવા આયોજન કરી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન શહેર જિલ્લાના સંગઠનોમાં બાકી નિમણૂંકો અંગે પણ નિર્ણયો લેવાય તેવી શકયતા છે.

