Site icon Gujarat Mirror

માલિયાસણ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આવેલી માલીયાસણ ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં દંપતિ પર પાડોશમાં રહેતાં ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસે હુમલો કરનાર ત્રણેય શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ માલીયાસણ ચોકડી પાસે ઝુપડપટ્ટીમાં રહેતાં અને મુળ માણાવદરનાં વતની સુરેશભાઈ મુળુભાઈ કાનગડ (ઉ.50)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પાડોશમાં રહેતાં શૈલેષ ઉર્ફે શૈલો શૈલાનો નાનો ભાઈ અને શૈલાના કાકાના દીકરાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને તેની પત્ની ઝુંપડામાં શાકભાજી અને કરિયાણાનો વેપાર કરે છે. ગત તા.23નાં રાત્રે તેઓ પત્ની સાથે ઝુંપડામાં જમતાં હતાં ત્યારે આરોપીઓ વસ્તુ લેવા આવ્યા હતાં અને કટકે કટકે વસ્તુ ખરીદતા હોય જેથી તેઓને જમવાનું ચાલુ હોવાથી વારંવાર વસ્તુ આપવા માટે ઉભા થવું પડતું હતું. જેથી તેમને એકી સાથે વસ્તુ ખરીદવાનું કહેતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ધોકા વડે હુમલો કરી સુરેશભાઈ અને તેની પત્નીએ માર માર્યો હતો. બાદમાં ત્રણેય શખ્સો નાસી છુટયા હતાં. હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્ત દંપતિને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે કુવાડવા રોડ પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version