Site icon Gujarat Mirror

મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલો

મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનાવ, આરોપીએ આડેધડ છરીના છ ઘા ઝીંકી દીધા: આધેડ સારવારમાં

રાજકોટ શહેરમાં મકાન વેચાણના બાકી નીકળતા નાણાંની લેતી-દેતી બાબતે એક યુવાન પર જાહેરમાં ખૂની હુમલો થયો છે.ગત તારીખ 17 એપ્રિલ 2026 ના રોજ રાત્રિના આશરે 21:30 થી 22:00 વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલી ’ખોડીયાર પાન’ નામની દુકાન પાસે આ ઘટના બની હતી. 56 વર્ષીય રિક્ષા ચાલક પ્રવિણભાઈ નરસિંહભાઈ ચૌહાણે આ મામલે જીગ્નેશભાઈ નારણભાઈ ગલચર વિરુદ્ધ ગંભીર ઈજાઓ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર, આશરે ચાર વર્ષ પહેલાં તેમના પત્ની જોસનાબેનના નામે રાજ ટાવર બિલ્ડીંગમાં ફ્લેટ નંબર 303 ખરીદવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં આ ફ્લેટ જીગ્નેશભાઈ ગલચરને ₹13,25,000 માં વેચાણ આપ્યો હતો. જેમાંથી ₹11,81,000 રોકડા ચૂકવાયા હતા, જ્યારે ₹1,44,000 બાકી હતા. વારંવારની ઉઘરાણી બાદ આરોપીએ ₹40,000 આપ્યા હતા અને બાકીની રકમ ₹8,000 ના માસિક હપ્તાથી ચૂકવવાનું નક્કી કર્યું હતું. આરોપીએ અત્યાર સુધીમાં પાંચ હપ્તા ચૂકવ્યા હતા, પરંતુ મનમાં નાણાંની ઉઘરાણીનો ખાર રાખ્યો હતો.

ઘટનાના દિવસે ફરિયાદી એક ધાર્મિક પ્રસંગમાં ગયા હતા ત્યારે આરોપી જીગ્નેશનો ફોન આવ્યો હતો અને હપ્તો લઈ જવા માટે સેટેલાઈટ ચોક બોલાવ્યા હતા. પ્રવિણભાઈ ત્યાં પહોંચતા આરોપીએ ₹8,000 રોકડા આપ્યા હતા અને ત્યારબાદ “હવે હપ્તા પૂરા થાય પછી તને રહેવા નહીં દઉં” તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. આવેશમાં આવી આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી ધારદાર છરી કાઢી પ્રવિણભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પ્રવિણભાઈને ડાબા પગે ગોઠણ નીચે અને સાથળના ભાગે કુલ પાંચ ઘા તથા બચાવ કરવા જતાં ડાબા હાથની કોણી નીચે એક ઘા વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બી-ડીવીઝન પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 118(2), 115(2), 351(2) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ હેડ કોન્સ્ટેબલ પરેશ નાનજીભાઈ ખશીયા દ્વારા આ કેસની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version