સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યા કેસમાં 8 મહિનાથી સજા ભોગવી રહેલા 28 વર્ષના કેદી સુરેશ સાકરીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. છેલ્લા દસ દિવસથી તેની તબિયત ખરાબ હતી. આ ઘટનાથી ચર્ચા જાગી છે.
ચોટીલા તાલુકાના પીપરાળી ગામના રહેવાસી સુરેશભાઈ ભાવાભાઈ સાકરીયા (ઉંમર 28 વર્ષ)નું જેલમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. કેદીના મોતના સમાચાર મળતા વઢવાણના એસડી એમ મેહુલ ભરવાડ, એ ડિવિઝન પીઆઈ, સબ જેલના અધિકારીઓ સહિતની પોલીસ ટીમ સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચી હતી. મૃત્યુ અંગેની તપાસ શરૂૂ કરાઈ હતી.મૃતક કેદી સુરેશ સાકરીયાના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં પેનલ પીએમ થયા બાદ જ કેદીનું મોત કયા સંજોગોમાં અને કયા કારણોસર થયું તે અંગે વધુ જાણકારી મળશે.આ અંગે વઢવાણના ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડે જણાવ્યું હતું કે, સુરેશ સાકરીયા નામના કેદીનું મોત થયું છે.
હાલ આ શંકાસ્પદ મોત છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓની સંખ્યા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, સબ જેલમાં આશરે 125 કેદીઓને રાખવાની ક્ષમતા છે, જ્યારે હાલ ક્ષમતા કરતાં ઘણા વધારે એટલે કે 275થી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ક્રાઇમ રેટમાં વધારો અને અન્ય સ્થળોએ કેદીઓને રાખવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે સબ જેલમાં ક્ષમતા કરતાં બમણાથી વધુ કેદીઓ હોવાની સ્થિતિ થઈ છે. હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થનારા પેનલ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સુરેશ સાકરીયાના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂૂ કરાઈ છે.

