રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે. તા.18-12-2024ના રોજ સાંજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શાળા નં.10 પાસે અને મરચા પીઠ ખાતે આવેલ આશ્રય સ્થાન (રેનબસેરા)ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાન ખાતે આપવાની આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી તેમજ મ્યુનિસિપલ કમિશનરએ આશ્રિતો સાથે સંવાદ કરી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને સ્પેશ્યલ ડ્રાઈવ કરી ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવા મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય NGOનાં સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણ ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
હાલ શિયાળાની ઋતું હોય ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો લાભ લેવા તથા શહેરીજનોને પણ પોતાના વિસ્તારની આસપાસ, મુખ્ય માર્ગો કે અન્ય કોઇપણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે તો આશ્રયસ્થાનની જાણકારી આપવા તેમજ આશ્રયસ્થાનના સંચાલકના સંપર્ક નંબર પર જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આશ્રય સ્થાન ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, મેનેજર કાશ્મીરા વાઢેર, દિપ્તીબેન તેમજ આશ્રય સ્થાનના સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.

