Site icon Gujarat Mirror

પૂર્વ પતિ પાસે રહેતા પુત્રની યાદમાં માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરના કોઠારીયા ચોકડી નજીક રણુજાનગરમાં મૈત્રીકરાર કરી રહેતી પરિણીતાને પૂર્વ પતિ પાસે રહેલા પુત્રની યાદ આવતી હોવાથી તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ચોકડી નજીક આવેલા રણુજાનગર શેરી નં.2માં રહેતી નયનાબેન વિશાલભાઇ કુબાવત (ઉ.વ.25)નામની પરિણીતાએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા એએસઆઇ જે.કે.કુરીયા સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક નયનાના લગ્ન અગાઉ મોરબીમાં રહેતા રાજેશભાઇ સાથે થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર છે. બાદમાં તેણે રાજેશભાઇ સાથે છૂટાછેડા લઇ લીધા હોય અને પુત્ર તેના પૂર્વ પતિ પાસે રહેતો હોય હાલમાં તેણી વિશાલ કુબાવત સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. જોકે, પૂર્વ પતિ પાસે રહેલા પુત્રની યાદ આવતી હોવાથી તેણે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.

Exit mobile version