ગુજરાત
ભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરના હાથબ ગામે એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે. હાલ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલા હાથબ બંગલા પાસે એક વાડીમાં ખેતમજૂરી કરતાં શ્રમજીવીની પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ગોહિલઊં.વ. 31એ કોઈ અગમ્ય કારણોસર સૌપ્રથમ તેના ઘરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી બે દીકરી પ્રતીક્ષા ઊં.વ.9 અને ઉર્વિશી ઊં.વ.5 ઉપર કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી. ત્યાર બાદ પોતાના પર પણ આ પ્રવાહી છાંટી કાંડી ચાંપી દીધી હતી. એમાં મહિલા તથા તેની પુત્રીઓ ભડભડ સળગી ઊઠી હતી.
આ બનાવની જાણ પતિ તથા આસપાસના રહીશોને થતાં સૌ દોડી આવ્યા હતા અને પરિણીતા તથા દીકરીઓ પર લાગેલી આગ બુઝાવી હતી. ત્યાર બાદ તાત્કાલિક સારવાર અર્થે તેમને સૌપ્રથમ કોળિયાક સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
માતા તથા પુત્રીઓને અહીં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં ત્રણેયની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોનાં નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘર કંકાસ ને કારણે કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે.