Site icon Gujarat Mirror

રાજકોટમાં 200થી વધુ તાજિયાને મંજૂરી, ઝુલુસ માટે 2100 પોલીસ તૈનાત

ડીસીપી સહિતના અધિકારીઓનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, ઝુલુસ દરમિયાન ડ્રોન મારફતે બાજ નજર રખાશે, ક્રાઇમ બ્રાંચ, SOG, PCB, અને સ્ટ્રાઇકિંગ ફોર્સને વિશેષ જવાબદારી

કરબલાના શહીદોની યાદમાં માનવતા તહેવાર મહોરમમાં મુસ્લિમ સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજિયાનું નિર્માણ થયું છે. જેમાં પોલીસે 200થી તાજીયાની મંજુરી આપી છે. મોહરમ માસમાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર ખુદાની બંદગી કરી રહ્યા છે અને આજે સાંજે તાજિયા પડમાં આવશે અને આવતીકાલે આશુરાનો દિવસ મનાવવામાં આવાશે. તાજીયાને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે દિવસ સુધી શહેર પોલીસ દ્વરા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી, 9 એસીપી, 22 પીઆઈ , 85 પીએસઆઈ ઉપરાંત 1900થી વધુ પોલીસ કોન્સ્ટેબલ્સ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો સહીત 2000થી વધુ પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે.

ઉપરાંત તાજીયાના ઝુલુસમાં પોલીસ પાંચ જેટલા ડ્રોન કેમેરાથી સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવશે તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને પેરોલ ફર્લો સ્કોડ અને સ્ટ્રાઈકિંગ ફોર્સને ખાસ બંદોબસ્તની જવાબદારી સોપાઈ છે. આજે સાંજે તમામ તાજિયાઓ પડમાં આવી જશે અને રાત્રે પછી પોતપોતાના માતમમાંથી ઉઠીને નિયત મુજબના રૂટ ઉપર આખી રાત ફરશે અને સવારે જે તે જગ્યાએ પરત આવી જઇ કાલે બપોર બાદ ફરી જુલૂસરૂપે ફરીને રાત્રીના 12 વાગ્યે ઇમામખાનાઓમાં પહોંચીને વિસર્જિત થશે. કાલે શેહરના અલગ અલગ વિસ્તારોમાં તાજીયાનું ઝુલુસ નીકળશે.

મહોરમને લઈને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક ,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ. ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક એચ.એમ.જાડેજાના સુપરવિઝન હેઠળ આજે બપોરથી જ નિયત સ્થળો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવશે. આ ખાસ સુરક્ષા વ્યવસ્થા આગામી બીજા દિવસની મોડી રાત સુધી સતત કાર્યરત રહેશે. સુરક્ષા વ્યવસ્થાને સુચારુ રૂપ આપવા માટે ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે, જેમાં 4 ડીસીપી, 9 એસીપી, 22 પીઆઈ , 85 પીએસઆઈ ઉપરાંત 1900થી વધુ પોલીસ કોન્સ્ટેબલ્સ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો સહીત 2000થી વધુ પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે.

શહેરના અતિ સંવેદનશીલ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સંગીન બનાવવા માટે કુલ પાંચ જેટલા અત્યાધુનિક ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. આ ડ્રોન કેમેરા દ્વારા દરેક શંકાસ્પદ ગતિવિધિઓ અને ભીડભાડ વાળા વિસ્તારો પર આકાશમાંથી તીક્ષ્ણ નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થાના ભંગ કરનારા તત્વો સામે પુરાવા એકત્રિત કરવા અને કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ અને સંવેદનશીલ સ્થળો પર સઘન વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

બંદોબસ્તના સુચારુ અમલીકરણ પૂર્વે ઝોન-1ના ડીસીપી હેતલ પટેલ ખુદ મેદાનમાં આવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં જંગલેશ્વર વિસ્તાર સહિતના અન્ય તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે.

આ પેટ્રોલિંગમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફ ઉપરાંત અન્ય સુરક્ષા જવાનો અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક આગેવાનો સાથે પણ બેઠકો યોજીને સહકારની અપીલ કરવામાં આવી છે.

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ‘શાંતિ સમિતિ’ની બેઠક યોજાઈ
મોહરમ તહેવાર નિમિત્તે શહેરમાં કોમી સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય ‘શાંતિ સમિતિ’ ની બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ અધિકારીઓ સાથે તમામ પી.આઈ અને હિન્દુ-મુસ્લિમ સહિત તમામ સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ કમિશનરે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ભંગ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની પગલાં લેવાની વહીવટી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, સાથે જ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. બેઠકમાં હાજર તમામ સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ તંત્રને ગુપ્તચર માહિતી તેમજ ગ્રાઉન્ડ લેવલ પર પૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી હતી. પ્રશાસને પણ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવાની સુચના આપી હતી.

Exit mobile version