Site icon Gujarat Mirror

મોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈ

વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર મોરબીના ઉધોગો પર જોવા મળી રહી છે. સીરામિક એકમો ઠપ્પ થતા તેની ચેઈન રિએક્શન રૂૂપે ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં પણ થંભી ગયા છે. મોરબીમાં દરરોજ જે રસ્તાઓ પર 8 થી 9 હજાર ટ્રકોની ધમધમાટ જોવા મળતી હતી, ત્યાં અત્યારે માંડ 500 થી 1000 ટ્રકો જોવા મળી રહ્યા છે. આ મંદીના કારણે ડ્રાઈવર અને મજૂર સહિત અંદાજે 10 લાખ જેટલા લોકોની રોજીરોટી છીનવાઈ જશે તેવી શક્યતાઓ વ્યકત કરી છે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના ઉપપ્રમુખ પ્રભાતભાઈ આહીરે આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સંકટનું મુખ્ય કારણ ઇંધણના વધતા ભાવ અને સીરામિક એકમો બંધ થવું છે. સીરામિક ઉદ્યોગ અટકી પડતા કાચા માલની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. હજારો ટ્રકો હાલ ધૂળ ખાઈ રહી છે અને તેના પર નિર્ભર પરિવારો પણ સંકટમાં મુકાઈ રહ્યા છે.

વધુમાં, ટ્રાન્સપોર્ટ એસોસીએશન સાથે હાલ 1000 જેટલા ટ્રાન્સપોર્ટરો જોડાયેલા છે, જેઓ આ આર્થિક ફટકાનો સામનો કરી રહ્યા છે. જે રીતે ટ્રકોની અવરજવરમાં જંગી ઘટાડો થયો છે તે જોતા આગામી દિવસોમાં જો પરિસ્થિતિ નહીં સુધરે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરો હવે આ યુદ્ધની સ્થિતિ શાંત થાય અને ફરીથી વ્યાપાર-ધંધા પાટા પર ચડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે

Exit mobile version