મોરબી મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષની ઓફિસના ખર્ચા, તમામ કોર્પોરેટરના પગાર સહિતના ભથ્થા વગેરેના એજન્ડા સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નંદીઘરમાં નંદીઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી, કોર્પોરેટરો દ્વારા કહેવામા આવતા કામ અધિકારીઓ કરતાં નથી તેમજ નાની કેનાલ રોડની ડિઝાઇન કોના કહેવાથી ચેન્જ કરવામાં આવેલ છે તે સહિતની ફરિયાદો ભાજપના જ કોર્પોરેટરો દ્વારા મેયર સમક્ષ કરવામાં આવી હતી ત્યારે મેયરે તમામ શાખા અધિકારીઓને કોર્પોરેટરો સૂચવે તે કામ ઝડપથી કરવા અને તેઓને ફોન ઉપાડીને સંતોષકારક જવાબ આપવા માટેની અને નંદીઘરમાં રાખવામા આવેલા નંદીઓ માટે ઘટતી વ્યવસ્થા કરવા અધિકારીને સૂચના આપી હતી.
મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી હતી જેમાં મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા તેમજ ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના તમામ શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિના અધ્યક્ષના ઓફિસ ખર્ચ માટે માસિક 15000 રૂૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો મોરબી મહાપાલિકામાં સભા સંચાલન અને સમિતિ બનાવવા માટેના નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી મેન્ટર કોર્પોરેશન રાજકોટના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને મહાપાલિકાના નવા નિયમો બનાવવામાં આવશે.
ત્યાર બાદ મહાપાલિકાના તમામ કોર્પોરેટરો માટે સરકાર દ્વારા માનદ વેતન મંજૂર કરવામાં આવેલ છે તે મુજબ 7,000 રૂૂપિયા માનદ વેતન, 500 રૂૂપિયા બેઠકનું ભથ્થું, 1500 રૂૂપિયા સ્ટેશનરી ખર્ચ અને 1000 રૂૂપિયા મોબાઈલ ખર્ચ નક્કી કરવામાં આવેલ છે જે એજન્ડા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ છે.
સામાન્ય સભામાં નંદીઘરનો મુદો કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ ઉઠાવ્યો હતો નંદીના મૃત્યુનું કારણ, એનીમલ હોસ્ટેલ કામગીરી ક્યાં પહોંચી, ઘાસચારા અને પાણી સહિતના મુદે તડાપીટ બોલાવી હતી જે મામલે સામાન્ય સભા સભા બાદ પત્રકારોને બાઈટ આપતી વખતે મેયર ઉત્તમ સુરાણી જવાબ આપી શક્યા ના હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું
નંદીઘરના ઇંઘઉને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ મનપાના વિવિધ વિભાગના વડાઓ કોર્પોરેટરોના ફોન ઉઠાવતા ના હોવાનો મુદો ગાજયો હતો જે મામલે સુચના આપી હોવાનું જણાવ્યું હતું
3 કોર્પોરેટરોએ પગાર ભથ્થાની ના પાડી
મોરબી મહાપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ પગાર અને ભથ્થા આપવામાં આવશે તેના માટેનો એજન્ડા જ્યારે લેવામાં આવ્યો હતો ત્યારે જ મોરબી વોર્ડ નં. 10 માંથી ચૂંટાયેલા ગણેશભાઈ ડાભી અને ભાવેશભાઈ કાંઝરિયાએ મૌખિક રીતે પગાર કે ભથ્થું તેઓ લેશે નહીં તેવી જાહેરાત કરી હતી જો કે, વોર્ડ નં. 13 માંથી ચૂંટાયેલા ભાવિકભાઈ જારીયાએ પગાર કે ભથ્થું ન લેવા માટે મેયરને લેખિતમાં પત્ર આપી દેવામાં આવ્યો છે.
સામાન્ય સભા બાદ પત્રકારોને બાઈટ આપતી વખતે મેયર નંદીઘર અને ડીમોલીશન કામગીરી શા માટે બંધ થઇ તેના જવાબો આપી શક્યા ના હતા અને બાજુમાં બેસેલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયંતીભાઈને જવાબો આપવા જણાવી દીધું હતું યુવા મેયર પાસે અનુભવની કમી હોવાનું જણાઈ આવે છે નંદીઘર મુદો લાંબા સમયથી મીડિયામાં છવાયેલો છે અને સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં પણ તે મુદો ઉઠ્યો હતો આજે સામાન્ય સભામાં પણ મુદો ગાજ્યો હતો જે મુદે મેયર શું કશું જાણતા નથી ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે.

