Site icon Gujarat Mirror

યુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત

ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલી કટોકટી અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ઉચ્ચસ્તરીય ચર્ચા દરમિયાન પીએમ મોદીએ નિર્દોષ નાગરિકોના મોત અને ઈરાનના માળખાગત સુવિધાઓને થઈ રહેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી, શાંતિ માટે ’સંવાદ અને ડિપ્લોમેસી’નો માર્ગ અપનાવવા ભારપૂર્વક અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર આ વાતચીતની વિગતો શેર કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પ્રદેશની ગંભીર પરિસ્થિતિમાં ત્યાં વસતા ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતે ગંભીર મંથન કર્યું હતું.

વૈશ્વિક અર્થતંત્ર પર આ યુદ્ધ સમાન સ્થિતિની અસર ન પડે તે માટે પીએમ મોદીએ ખાસ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે માલસામાન અને ઊર્જાના અવિરત પરિવહનની આવશ્યકતા છે. જો આ પુરવઠો ખોરવાય તો તેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે, તેથી સમુદ્રી માર્ગો અને પરિવહન સુરક્ષિત રહેવા જોઈએ.

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાનો પક્ષધર રહ્યો છે. કોઈપણ વિવાદનો ઉકેલ હિંસાથી નહીં, પરંતુ રાજદ્વારી માર્ગે જ લાવી શકાય છે. મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા માટે ભારત તમામ જરૂૂરી સહયોગ આપવા તૈયાર છે, તેવી પ્રતિબદ્ધતાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

Exit mobile version