Site icon Gujarat Mirror

જામનગરમાં લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન સાથે ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’

ભાજપ સંગઠન દ્વારા એરફોર્સ સ્ટેશનથી ભવ્ય સ્વાગતની તૈયારી, તંત્ર એલર્ટ મોડ પર

જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત પ્રવાસ નિર્ધારિત થતાં સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. તા. 10 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિના સમયે જામનગર આવી પહોંચે તેવી શક્યતા વચ્ચે તેમના આગમનથી લઈને રાત્રિ રોકાણ સુધીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે રાત્રિના અંદાજે પોણા દસ વાગ્યાના સમયે જામનગર એરફોર્ષ સ્ટેશન પર આવી પહોંચશે. જ્યાં એરબેઝ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ સહિતના ઉચ્ચ અધિકારીઓ, તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનોદ ભંડેરી તથા અન્ય મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સમગ્ર રૂૂટ સહિતના મુખ્ય માર્ગો પર બેરિકેટીંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ, એસ.પી.જી., રાજ્ય પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જામનગર એરપોર્ટથી હવાઈ માર્ગે આગળના કાર્યક્રમો માટે રવાના થશે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સોમનાથ મહાદેવના સાનિદ્ધ્યમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ત્યારબાદ વડોદરા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં અને રોડ શો માં પણ ભાગ લેશે.
વડાપ્રધાનના પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને એસ.પી.જી.ની સંયુક્ત બેઠકો સતત યોજાઈ રહી છે. એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ સહિતના સ્થળોએ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સમગ્ર જામનગર શહેર હાલ વડાપ્રધાનના આગમનને લઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાનના બંદોબસ્તમાં પૂર્વ એસપી પ્રેમસુખ ડેલુની ખાસ નિમણૂક
જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પ્રેમસુખ ડેલુ સમગ્ર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો તેમજ સ્થાનિક વ્યવસ્થાથી સારી રીતે પરિચિત હોવાથી તેમને વડાપ્રધાનના બંદોબસ્તમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમસુખ ડેલુ જામનગર આવી પહોંચ્યા હતા અને તેઓ આગામી ત્રણ દિવસ સુધી જામનગરમાં મુકામ રાખીને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધી સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોડાશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ તેમજ અન્ય મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

જામનગર શહેર-જિલ્લાનો સમગ્ર વિસ્તાર નો-ફલાઇ ડ્રોન જાહેર
તા.10/05/2026 થી તા.11/05/2026 દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો ((SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવશ્રીની સુરક્ષાને તેમજ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતને હાની પહોંચાડે નહી તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. એમ. કાથડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સહિત જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને નો ડ્રોન ફ્લાઇ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ તા.10/05/2026ના રોજ બપોરે 12:00 કલાકથી તા.11/05/2016 ના રોજ સાંજે 6:00 કલાક સુધી અમલમાં રહેશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું
આગામી તા.10-11/05/2026ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના અમુક રૂૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.10-11 મેના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ 1) સાત રસ્તા સર્કલથી ટાઉન હોલ સર્કલ સુધીનો માર્ગ 2) તુલસી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ 3) તુલસી હોટલથી વિનુ માંકડ સર્કલ સુધીનો માર્ગ 4) મીગ કોલોનીથી ગવર્મેન્ટ કોલોની પાછળના રોડથી તળાવની પાળ સુધીનો માર્ગ 5) સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીનો ઓવરબ્રીજ ( આ માર્ગ પર તા.10/05/2026ના રોજ સાંજે 6:00 કલાકથી રાત્રીના 12:00 કલાક સુધી તથા તા.11/05/2026ના સવારે 5:00 કલાકથી સવારે 10:00 કલાક સુધી જ પ્રતિબંધ રહેશે.)

Exit mobile version