એજન્ડા સમયસર મળતો નથી, અધિકારીઓ કામ કરતા નથી, એકહથ્થુ શાસન ચાલતું હોવાની પ્રમુખને ફરિયાદ: મોટી માથાકૂટ થયાની ચર્ચા
મહાનગરાપલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે સ્ટેન્ડીંગના સભ્ય દ્વારા અનેક દરખાસ્તો અને અધિકારીઓની મનમાની મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્ટેન્ડીગમાં સફાઈ મુદ્દે નેહલ શુકલે પ્રશ્ર્નોની તડાપીટ બોલાવી ચેરમેન સાથે મોટી માથાકૂટ થયાનું જાણવા મળેલ છે. સભ્યોએ ચેરમેનને પુછેલ કે, સફાઈ બરોબર થતી નથી કોન્ટ્રાક્ટરો અને માણસો રજા પર છે. ત્યારે હાલમાં અપાયેલ 1100 કરોડનો નવો કોન્ટ્રાક્ટ ક્યારે ચાલુ થશે તેવા પ્રશ્ર્નો પુછતા સ્ટેન્ડીંગ ચેરમેને હાલો આગળ વધો તેમ જણાવતા ધુંઆ..ફુંઆ.. થયેલા નેહલ શુકલ, દર્શનાબેન, વિનુભાઈ તેમજ જીતુભાઈ સહિતનાએ હૈયાવરાળ ઠાલવી આક્રોશ વ્યક્ત કરેલ કે, આજની સ્ટેન્ડીંગમાં 23 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેનો એજન્ડા અમને ગઈકાલે મળ્યો હતો. જેનો અભ્યાસ પુરેપુરો થઈ શકતો નથી. આથી પહેલાની માફક અગાઉથી સભ્યોને એજન્ડા આપવામાં આવે અને આ મુદ્દે ભાજપ પ્રમુખ મુકેશભાઈને પણ રજૂઆત કરેલ કે, અધિકારીઓ કોર્પોરેટરોનું માનતા નથી. અને આ મુદ્દે ઘટતુ કરવામાં આવે.
સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સભ્યોએ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવાની સાથો સાથ બેઠકમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીને અનેક પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી. સાથો સાથ કોર્પોરેશનના વર્ગ-2ના કર્મચારીઓ કે, જેનો પગાર પાંચ આકડામાં હોવા છતાં આ પ્રકારના કર્મચારીઓના પરિવારોને આર્થિક તબીબી સહાય શા માટે આપવાની થાય છે. તેમ જણાવી તમામ કર્મચારીઓનો મેડીકલ ક્લેમ કેમ કાઢવામાં આવતો નથી. તેવો પ્રશ્ર્ન કરતા જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, વર્ગ-2ના કર્મચારીઓના તેમના પરિવારોને મળતી આર્થિક તબીબી સહાય અંગે ફેરવિચારણા કરવાની જરૂરિતાય ઉભી થઈ છે. જેના માટે મેયર સ્ટેન્ડીંગ ચેરમેન, ડે. કમિશનર, આરોગ્ય અધિકારી અને રાજકોટના ડોક્ટરો સહિતનાની એક કમિટિ બનાવવામાં આવશે. આ કમિટિમાં વર્ગ-2ના કર્મચારીઓને મળતી તબીબી આર્થિક સહાયની રકમ અંગે અભ્યાસ કર્યા બાદ મેડીકલ ક્લેમ લેવો કે, વર્ગ-2ના કર્મચારીઓને આર્થિક તબીબી સહાય આપવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આથી આજની સ્ટેન્ડીગમાં રજૂ થયેલ તબીબી સહાય તમામ 11 દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે વધુમાં જણાવેલ કે, વર્ગ-4ના કર્મચારીઓ માટે મેડીકલ ક્લેમ માટેનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તે રીતે વર્ગ-2ના કર્મચારીઓ અંગેની પણ પોલીસી તૈયાર કરવામાં આવશે. કમિટિના મેમ્બર દ્વારા કર્મચારીઓને ચુંકવાતી તમામ પ્રકારની તબીબી આર્થિક સહાયના ખર્ચનો હિસાબ કરી જેની સામે અધિકારીઓ દ્વારા સ્વખર્ચે મેડીકલ ક્લેમ લેવામાં આવે આથવા કોર્પોરેશન દ્વારા તમામ કર્મચારીઓનો મેડીકલ ક્લેમ લેવો કે નહીં તે સહિતના મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
મનપાના તમામ કર્મચારીઓને મળતી આર્થિક તબીબી સહાય માટે કર્મચારીઓ પાસેથી સોગંદનામું લેવામાં આવે છે. જેમાં કર્મચારી દ્વારા કોઈ જાતનો પ્રાઈવેટ મેડીકલ, ક્લેમ લીધેલ નથી. તેવું એફિડેવીટ રજૂ કરીએ તેમને આર્થિક સહાય મળવા પાત્ર છે. છતાં આ મુદ્દે ક્યારેય તપાસ કરવામાં આવી નથી. જેના લીધે તમામ કર્મચારીઓને અને તેમના પરિવારોને આર્થિક તબીબી સહાય પેટે મહાનગરપાલિકા કરોડો રૂપિયા ચુંકવી રહી છે. જે હવે સંભવત બંધ કરી કમિટિ દ્વારા સુચવવામાં આવેલા નિયમો હેઠળ પોલીસી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સુધી વર્ગ-2ના કર્મચારીઓ દ્વારા તબીબીસહાય માટે મુકવામાં આવતી તમામ દરખાસ્તનો નિર્ણય લેવામાં નહીં આવે.
શહેર ભાજપ પ્રમુખે તાત્કાલિક મિટિંગ બોલાવી
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં અમુક સભ્યોએ આજે પોતાના વિસ્તારોમાં કામ થતાં નથી તેમજ સ્ટેન્ડીંગનો એજન્ડા આગલા દિવસે મળતો હોય તેનો અભ્યાસ મળતો નથી અને સાથો સાથ અધિકારીઓ પણ કોર્પોરેટરનું કહ્યું મનાતા ન હોવા સહિતની ફરિયાદો શહેરભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીને કરતા તેમણે મેયર ચેમ્બરમાં સ્ટેન્ડીંગ ચેરમેન, મેયર અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજવાનો નિર્ણય લીધો છે. આવતી કાલે સંભવત મીટીંગ યોજાશે જેમાં શહેરભાજપ પ્રમુખ દ્વારા કામ ન કરતા અધિકારીઓને ઠપકો આપવામાં આવે તેવું લાગી રહ્યું છે.