Site icon Gujarat Mirror

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મહેમદાબાદમાં 25 ઇંચ

24 કલાકમાં 255 તાલુકામાં 20 ઇંચ સુધી વરસાદ પડયા બાદ સવારથી પણ અનેક વિસ્તારોમાં સટાસટી, 20 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર

અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ-રાહત કાર્ય શરૂ, નવસારીમાં આર્મી ઉતારાઇ, દરેક જિલ્લામાં ક્ધટ્રોલ રૂમો ધમધમ્યા, તંત્ર એલર્ટ મોડ પર

ગુજરાતમાં અંતે મેઘરાજાએ મનમુકીને સાર્વત્રીક મહેર કરી છે અને આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 255 તાલુકામાં બે મીમીથી માંડી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં 20 ઇંચ વરસાદ ખાબકયા બાદ સવારે 6 થી 10 વચ્ચે 4 કલાકમાં બીજો પાંચ ઇંચ વરસાદ પડી જતા છેલ્લા 30 કલાકમાં કુલ 25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જયારે વાવ-થરાદના દિઓદરમાં પણ સવારે 4 કલાકમાં છ ઇંચ વરસાદ પડી ગયો છે.

સવારે 6 વાગ્યા સુધીમાં 255 તાલુકામાં વરસાદ પડયા બાદ સવારે પણ વરસાદ ચાલુ જ રહ્યો છે અને સવારે 6 થી 10 વચ્ચે 228 તાલુકામાં બે મીમીથી માંડી 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ મધ્ય અને ઉતર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ખેડા અને અમદાવદ સહીતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે. જેના કારણે સ્થળાંતર સાથે બચાવ- રાહત કાર્ય શરૂ કરાયું છે. જયારે આજે પણ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે 20 જિલ્લાની શાળા- કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બચાવ-રાહત સામે એનડીઆરએફ અને એસ.ડી.આર.એફ.ની સાથે નવસારીમાં લશ્કરી જવાનો પણ ઉતારવામાં આવ્યા છે. રાજયના દરેક જિલ્લામાં ક્ધટ્રોલરૂમો શરૂ કરાયા છે અને સમગ્ર તંત્રને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે મોડીરાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 22.80 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 17.32 ઈંચ, મધ્ય ઝોનમાં 16.06 ઈંચ અને પૂર્વ ઝોનમાં 10.28 ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. ત્યારબાદ અમદાવાદના ધોળકામાં 18.62 ઈંચ, નવસારીના ચીખલીમાં 17.76 ઈંચ, નવસારીના ખેરગામમાં 17.09 ઈંચ, વલસાડના ઉમરગામમાં 17.09 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 17.05 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 16.22 ઈંચ, ખેડા તાલુકામાં 14.72 ઈંચ, અમદાવાદના વિરમગામમાં 14.61 ઈંચ, નવસારીના વાંસદામાં 14.57 ઈંચ અને ડાંગના વઘઈમાં 14.45 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગણદેવીમાં 13.07 ઈંચ, નડિયાદમાં 12.91 ઈંચ, માંડલમાં 11.81 ઈંચ, પારડીમાં 11.73 ઈંચ, અમદાવાદ શહેર અને બાવળામાં 11.65-11.65 ઈંચ, વસોમાં 11.61 ઈંચ, દસક્રોઈમાં 11.57 ઈંચ, ડોલવણમાં 11.46 ઈંચ, સોજીત્રામાં 11.26 ઈંચ, નેત્રંગમાં 11.18 ઈંચ, નાનાપોંઢામાં 10.79 ઈંચ, વલસાડ તાલુકામાં 10.71 ઈંચ, બહુચરાજીમાં 10.28 ઈંચ, અંબિકામાં 10.28 ઈંચ અને પેટલાદમાં 10.04 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં 7થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના તારાપુરમાં 9.76 ઈંચ, ધરમપુરમાં 9.69 ઈંચ, બોરસદમાં 9.61 ઈંચ, કપરાડામાં 9.21 ઈંચ, આણંદ તાલુકામાં 8.82 ઈંચ, ડાંગ તાલુકામાં 8.35 ઈંચ, સુબિરમાં 8.31 ઈંચ, વાપીમાં 8.07 ઈંચ, વ્યારામાં 7.84 ઈંચ, કડીમાં 7.52 ઈંચ, ઉકાઈમાં 7.13 ઈંચ, કામરેજમાં 7.09 ઈંચ, અમરેલીના કુકાવાવમાં 7.01 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 7 ઈંચ, અમદાવાદના દેત્રોજમાં 6.97 ઈંચ અને સુરેન્દ્રનગરના લખતરમાં 6.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યભરમાં ભારે વરસાદને કારણે નદીઓ, ડેમો અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને જરૂૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

3માં રેડ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 જિલ્લાઓમાં તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITI સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર, આજે પણ મેઘરાજા રાજ્યમાં તોફાની બેટિંગ ચાલુ રાખી શકે છે. આગાહી મુજબ, રાજ્યના 3 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું ’રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ’ઓરેન્જ એલર્ટ’ અને અન્ય 10 જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂૂપે ’યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ તોફાની ચોમાસાની સ્થિતિ અને સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થવાની શક્યતા છે. આથી, વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી રાજ્યના 20 અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓ, તમામ કોલેજો, આંગણવાડીઓ તેમજ આઈટીઆઈ કેન્દ્રોમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે. તેમણે આગાહી કરી છે કે 27 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂૂ થઈ શકે છે, જેમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસું હજુ સક્રિય રહેશે અને ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતો, પ્રવાસીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે અને નેશનલ હાઇવે-48 બંધ કરાયા
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અવિરત તોફાની વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે-48 ના અમુક ચોક્કસ વિસ્તારોમાં વાહનવ્યવહાર કામચલાઉ ધોરણે સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે. ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર ઈના (ઊગઅ) અને ખરેલ વચ્ચે આવેલી અંબિકા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો છે. આ ઉપરાંત, સતત વરસાદને કારણે ભારે પાણી ભરાઈ જવાને લીધે નેશનલ હાઈવે-48 પર વલસાડ અને મુંબઈ વચ્ચેનો રસ્તો પણ બંને તરફથી કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. નવસારી, વલસાડ અને મુંબઈ તરફ આગળ વધી રહેલા ભારે વાહનોને ભરૂૂચ નજીક અથવા જિલ્લામાં પ્રવેશતા પહેલાં જ સલામત સ્થળોએ તેમજ હોટેલો પાસે રોકાઈ જવા માટે જણાવાયું છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત કરવામાં આવેલા ડાયવર્ઝન રૂૂટનો ઉપયોગ કરે, રસ્તા પર ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપે અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.

Exit mobile version