આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ, રાત્રે 8થી 8.30 બ્લેકઆઉટ
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા માર્ગદર્શન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર, સંભવિત કટોકટીની પરિસ્થિતિ, ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી આજે તા. 7 મે, 2025 ના રોજ જામનગર જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ સાંજે 4:00 કલાકથી શરૂૂ થઈ રાત્રે 8:00 કલાક સુધી ચાલશે, જ્યારે તેના ભાગરૂૂપે સમગ્ર જિલ્લામાં રાત્રે 8:00 કલાકથી 8:30 કલાક સુધી 30 મિનિટનો બ્લેકઆઉટ (અંધારપટ) પણ રાખવામાં આવ્યો છે. આ મેગા ઇવેન્ટના આયોજન અને તેના હેતુઓ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ગઇકાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજી સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજી તેની વિગતો જાહેર કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ આપત્તિ કે કટોકટી દરમિયાન તંત્ર અને નાગરિકો બંનેને ઝડપી પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આજે સાંજે 4:00 વાગ્યે સાયરન વાગશે જે મોકડ્રિલની શરૂૂઆતનો સંકેત આપશે.
રાત્રે 8:00 થી 8:30 દરમિયાન થનાર બ્લેકઆઉટ એ સંભવિત યુદ્ધની સ્થિતિમાં દુશ્મન દેશ દ્વારા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટેની પૂર્વ તૈયારીનો ભાગ છે. તેમણે નાગરિકોને આ મોકડ્રિલ કે બ્લેકઆઉટથી ભયભીત ન થવા, કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને વહીવટીતંત્રને ઉચિત સહયોગ આપવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ મોકડ્રિલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત કરવાનો સામૂહિક પ્રયાસ છે અને તે સુરક્ષા તંત્ર તથા નાગરિકોની પૂર્વ તૈયારીનો ઓપરેશનલ અભ્યાસ છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ દરમિયાન, કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા અને ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઇમરજન્સી સેવાઓ આ દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ શહેરી વિસ્તારના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે મોકડ્રિલ દરમિયાન શહેરના વિવિધ સ્થળો અને એકમોમાં સાયરન વગાડવામાં આવશે. રાત્રે 8:00 થી 8:30 ના 30 મિનિટના બ્લેકઆઉટ દરમિયાન શહેર અને જિલ્લાની તમામ સ્ટ્રીટ લાઇટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ, હોર્ડિંગ્સ, દુકાનો-શોરૂૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ બંધ રાખવામાં આવશે. તેમણે નાગરિકોને પોતાના ઘરના બલ્બ અને ટ્યૂબલાઇટ્સ પણ સ્વયંભૂ બંધ રાખી આ બ્લેકઆઉટમાં સહયોગ આપવા અપીલ કરી હતી. વધુમાં, તેમણે મોકડ્રિલ દરમિયાન બિનજરૂૂરી રીતે ભીડ એકઠી ન કરી તંત્રને સહયોગ આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ગઇકાલે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા વિભાગ, બી.એસ.એન.એલ., આર.ટી.ઓ., એસ.ટી. સહિતના મહત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે દર્શાવે છે કે આ મોકડ્રિલ વ્યાપક સ્તરે આયોજિત કરવામાં આવી રહી છે. નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત યોજાનારી આ મોકડ્રિલમાં હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને સાયરન દ્વારા ચેતવણી આપવી, નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મન દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી, હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી, યુદ્ધના સમયે મહત્વના સ્થળો અને સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી તથા હુમલાના કિસ્સામાં ઇવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

