14 ટી.પી.રોડ અને આજી રિવરફ્રન્ટના દબાણોનો થશે સફાયો, લોકોને જાતે દબાણો દૂર કરવા કોર્પોરેશનની આખરી તાકીદ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સાથે બેઠક યોજી આપ્યો આખરી ઓપ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ટી.પી.રોડ અને આજી નદીના પટમાં ખડકાયેલા 1489 થી વધુ દબાણો દૂર કરવા અનેક નોટિસો તેમજ કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મહાનગરપાલિકાએ આગામી સોમવારે મેગા ડીમોલીશન કરવાનો તખ્તો તૈયાર કરી લીધો છે અને આ મુદ્દે ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય, પોલીસ કમિશનર સહિતનાએ બેઠક યોજી ડિમોલીશનની આખરી ઓપ આપતાં સોમવારે સવારથી જંગલેશ્ર્વરમાં ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તેમજ રાજકોટની આખરી નગર રચના યોજના નં. 6ના 15 મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની રસ્તા રેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના સર્વાંગી વિકાસ, ટ્રાફિક સુવિધા, નાગરિકોની સલામતી અને પૂરપ્રતિકારક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજી નદીના પટ્ટામાં તથા ટી.પી. રોડની નિર્ધારિત માર્ગરેખામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો શહેરના વિકાસ કાર્યોમાં અવરોધરૂૂપ બનતા હોવા ઉપરાંત વરસાદી મોસમ દરમિયાન પાણીની અવરજવર અને પૂર નિયંત્રણમાં પણ અડચણરૂૂપ બને છે.
આ બાબતે સંબંધિત મિલ્કતધારકોને અગાઉથી સમયાંતરે નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવેલ છે અને સ્વયં દબાણ દૂર કરવાની તક આપવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કેટલાક સ્થળોએ દબાણો દૂર કરવામાં આવ્યા નથી.
તેથી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રેસ નોંધ મારફતે અંતિમ સૂચના આપવામાં આવે છે કે જેઓના કબ્જા/ભોગવટામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો/દબાણો નિર્ધારિત માર્ગરેખા કે નદી પટ્ટામાં આવે છે, તેઓએ આજથી દિન-3માં સ્વખર્ચે સ્વયં દબાણ દૂર કરી લેવું.
જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/02/2026થી ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન થનાર ખર્ચ તેમજ સામગ્રીના નુકસાન માટે સંબંધિત મિલ્કતધારક જવાબદાર રહેશે.
નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને સ્વચ્છ, સુરક્ષિત રાજકોટના નિર્માણ માટે મહાનગર પાલિકાને સહકાર આપો. ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને કાયદેસર વિકાસકાર્યોને પ્રોત્સાહન આપો, જેથી માર્ગ વ્યવસ્થા સુદ્રઢ બને, ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળે અને નદી વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત રહે તે માટે ડિમોલીશન હાથ ધરવામાં આવશે.
મનપાએ નોટિસ આપેલ દબાણો
મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાં નીકળતાં 15 મીટર પહોળાઈના ટીપી રોડ પર થયેલા 497 નાના મોટા દબાણો તેમજ આજી નદીના પટમાં રિવરફ્રન્ટને નડતરરૂપ અને સરકારી જમીન ઉપર ખડકાયેલા 992 મકાનોને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ આવરી તમામને અગાઉ 260/1 અને 260/2ની નોટિસ આપ્યા બાદ જાતે દબાણો દૂર કરવા બે દિવસનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ સોમવારથી નોટિસ આપેલા તમામ દબાણોનું ડિમોલીશન કરવામાં આવશે.

