Site icon Gujarat Mirror

અમદાવાદ આવતી બસમાં ભીષણ આગ: 8 મુસાફરો દાઝ્યા, 1નું મોત

બનાસકાંઠા નજીક રાત્રે બેનલી ભયાનક ઘટના, મુસાફરો જીવ બચાવવા ચાલુ બસે કુદ્યા

બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ગામ પાસે આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં એક મુસાફરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 8 જેટલા મુસાફરો દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાનના જેસલમેરની ’સ્વાગત ટ્રાવેલ્સ’ નામની લક્ઝરી બસ જેસલમેરથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ આવી રહી હતી. રાત્રિના સુમારે જ્યારે બસ બનાસકાંઠાના નેનાવા પાસે પહોંચી, ત્યારે અચાનક બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક પણ માંડ મળી હતી. મોટાભાગના મુસાફરો બારીમાંથી કૂદીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ કમનસીબે એક મુસાફરનું આગમાં દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

અન્ય 8 મુસાફરો આગની ઝપેટમાં આવી જતાં ઘાયલ થયા છે, જેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આગ લાગ્યાના સમાચાર મળતાં જ ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું આ બસમાં ફાયર સેફ્ટીના સાધનો હતા? શું બસનું ફિટનેસ સર્ટિફિકેટ બરાબર હતું? આ તમામ દિશામાં અત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ તપાસ કરી રહ્યું છે.

અમદાવાદમાં ચાલુ બસ સળગી

આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી એક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ’ટાંક ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા સંચાલિત આ બસ લાલદરવાજાથી બાવળા તરફ જઈ રહી હતી. જ્યારે બસ જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓને લેવા માટે ઉભી રહી, ત્યારે અચાનક એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડો જોતા જ કંડક્ટરે ચપળતાપૂર્વક તમામ પ્રવાસીઓને તાત્કાલિક બસની બહાર ઉતારી દીધા હતા. બીજી તરફ, ડ્રાઈવર તુરંત જ ઇગ્નિશન અને મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, તેમ છતાં શોર્ટ સર્કિટને કારણે આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ ડ્રાઈવરે બસમાં રહેલા ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આસપાસથી પસાર થતી અન્ય બસોના ચાલકોએ પણ પોતાના ફાયર સેફ્ટીના સાધનો વડે મદદ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Exit mobile version