રાજસ્થાનના ભીવાડીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના જીવતા સળગી જવાથી મોત થયાં છે. 1 મજૂર હજુ પણ ફસાયેલો છે. ઘટના સમયે લગભગ 25 મજૂરો કામ કરી રહ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહોતો.
અહેવાલો અનુસાર ફેક્ટરીમાં રસાયણોની હાજરીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આજે સવારે ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં શ્રેણીબદ્ધ જોરદાર વિસ્ફોટો થયા હતા, જેના કારણે ફેક્ટરી ઝડપથી ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ દરમિયાન ત્રણથી ચાર જોરદાર વિસ્ફોટ થયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટોનો અવાજ ઘણા દૂર સુધી સંભળાયો હતો.
ખુશખેડા અને ભિવાડી રીકો ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. આ આગમાં મૃતદેહોના માત્ર હાડપિંજર જ બચ્યા છે. ઘટનાસ્થળે તિજારા ડીએસપી શિવરાજ સિંહ હાજર છે. તેમણે તપાસ શરૂ કરી દીધી છે. ભિવાડી એસપી અને એડીએમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચવાના છે.

