રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ હતું. મારવાડી કોલેજનો ડ્રાઇવર કોલેજમાં જમવા બેસતો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવતા ઢળી પડતા તેનું મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આશાપુરા સોસાયટીમાં રહેતા અને રાજકોટની મારવાડી કોલેજની બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા શક્તિસિંહ હેંમતસિંહ પરમાર (ઉ.વ.53)નામના પ્રૌઢ આજે બપોરે મારવાડી કોલેજમાં સ્ટાફ સાથે જમવા બેસતા હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાજ તેમનુ મોત નીપજ્યુ હતું
પ્રાથમિક તપાસમાં બે ભાઇ મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. તેઓ 14 વર્ષથી મારવાડી કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેઓ ગોંડલથી મારવાડી કોલેજના વિદ્યાર્થીઓને બસમાં લઇ આવી બપોરે પરત લઇ જતા હતા. હાર્ટ એેટેકથી મોત નીપજ્યાનું તબીબો દ્વારા જણાવાયુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

