Site icon Gujarat Mirror

ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયો

હજુ પણ ત્રણ આરોપી ફરાર, પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્ય બહાર ધામા

શહેરના રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા પ્રિન્સ ઉપર હુમલો કરવાના ગુનામાં ફરાર મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વરથી ઝડપી લીધો હતો. હજુ આ કેસમાં ત્રણ શખ્સો ફરાર હોય તેને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમે ગુજરાત બહાર ધામા નાખ્યા છે.

ભાવેશ વાણવીની હત્યા કેસમાં બનાવ બાદ એલસીબી ઝોન-2ની ટીમે રાધેશ્યામ ગૌશાળાની સામે મફતીયાપરા, રૈયાધારમાં રહેતા રવિ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.33), તેના ભાઇ સાગર (ઉ.વ.26) અને ગોપાલ (ઉ.વ.22) (રહે. ત્રણેય) ને ઝડપી લીધા હતા. જોકે મુખ્ય સુત્રધાર હમીર જોગરાણા ઉપરાંત દેવકરણ, ભુરો અને વિક્રમ સહિતનાં ત્રણ આરોપીઓ હાથમાં નહીં આવતા તમામની પોલીસે શોધખોળ શરુ કરી હતી. આ કેસનાં તપાસનીશ એસસી, એસટી સેલનાં એસીપી ચિંતન પટેલની તપાસમાં એવુ ખુલ્યું છે કે મૃતક ભાવેશની કૃપાલી નામની મહિલા મિત્ર હતી. જેની સાથે આરોપી હમીરને પણ ફ્રેન્ડશીપ થઇ જતા બંને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. જેને કારણે મૃતક ભાવેશ અને આરોપી હમીર વચ્ચે તકરાર શરૂૂ થઇ હતી. આરોપી હમીરનાં ભાઇ સાગરનો રસનો ચિચોડો છે.

જ્યાં આવારા તત્વો ભેગા થાય છે તેવી મૃતક ભાવેશે મનપામાં અરજી કરતા તકરાર વધી હતી. આખરે આરોપી હમીરે મૃતક ભાવેશ અને કૃપાલી પોતાને હનીટ્રેપમાં ફસાવશે અને પૈસા માગી રહ્યા છે તેવી ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં અરજી કરી હતી. આ રીતે બંને પક્ષો વચ્ચે ચાલતી તકરારને કારણે આખરે આરોપી હમીરે તેના ભાઇઓ અને મળતીયાઓ સાથે મળી ભાવેશની હત્યા કરી નાખી હતી. આ બનાવમાં મૃતક ભાવેશના પરિવારજનોએ મૃતદેહ લઇ હોસ્પિટલ ચોક પાસે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જ્યાં ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા ધમાલ થઇ હતી. જે અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ હત્યા કેસમાં કુલ 7 સામે ગુનો નોંધાયો હતો. જેમાં 3 આરોપી રવિ જોગરાણા,સાગર જોગરાણા,ગોપાલ જોગરાણાની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી હમીર જોગરાણા ફરાર હોય જે અંકલેશ્વરમાં છુપાયો હોવાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પડી હમીર જોગરાણાને ઝડપી લીધો હતો.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) જગદિશ બાંગરવા , એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સુચનાથી પી.સી એમ.આર.ગોંડલીયા , એમ.એલ.ડામોર , સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા , એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત , દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂૂપાપરા, દિપકભાઇ ચૌહાણ, સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version