Site icon Gujarat Mirror

પરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટએટેક આવતા રાજકોટ ખસેડાયા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કરસનદાસ બાપુને કમ્પલીટ હાર્ટ બ્લોક હોવાનું નિદાન થયું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાપુના પલ્સ પણ ઘટી ગયા હતા, પરંતુ ડોક્ટરો તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.

આ સમાચાર મળતા જ તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે, હોસ્પિટલ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે હાલમાં કોઈ પણ ભક્તે હોસ્પિટલ આવવું નહીં, જેથી ડોક્ટરોને તેમની સારવારમાં કોઈ અડચણ ન આવે.

કરસનદાસ બાપુ પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેમના આધ્યાત્મિક પ્રવચનો અને સેવાકીય કાર્યોને કારણે તેઓ મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવે છે. તેમની તબિયત અંગેના સમાચારથી તેમના ભક્તો દુ:ખી છે અને સૌ કોઈ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Exit mobile version