Site icon Gujarat Mirror

ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલી બે સિંહણોએ એક ગાયને નિશાન બનાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયના પ્રચંડ વળતા પ્રહાર સામે વનરાજની જોડીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

ઘટનાની વિગત મુજબ, પાતાપર ગામની ગલીઓમાં મોડી રાત્રે બે સિંહણો શિકારની શોધમાં આવી ચડી હતી. આ દરમિયાન માર્ગ પર ઉભેલી એક ગાય સિંહણોની નજરે પડી હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે, બંને સિંહણોએ વ્યૂહાત્મક રીતે ગાયની ઘેરાબંધી કરી હુમલાની પેરવી કરી હતી. જોકે, ગાયે અપ્રતિમ સાહસનો પરિચય આપતા ગભરાવાને બદલે સિંહણોની આંખમાં આંખ પરોવી મક્કમ સામનો કર્યો હતો.

એક તબક્કે સિંહણે ગાય પર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો છતાં, ગાયે પોતાની અણીદાર શિંગડાઓ વડે રક્ષણાત્મક પ્રહાર કરતા સિંહણો સ્તબ્ધ થઈ ગઈ હતી. અંતે, ગાયના સતત અને હિંમતભર્યા પ્રતિકાર સામે વનરાજોનું જોર ન ચાલતા, બંને સિંહણોએ શિકાર પડતો મૂકી મેદાન છોડી ભાગી જવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે શિકારી સામે ઘૂંટણ ટેકી દેતા પાલતુ પશુઓમાં પણ હવે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની અદભૂત ’સર્વાઇવલ ઇન્સ્ટિન્ક્ટ’ (જીવતદાનની જીજીવિષા) જોવા મળી રહી છે. ગાય દ્વારા બે સિંહણોનો જે રીતે સામનો કરવામાં આવ્યો, તે પ્રાણીજગતની અકલ્પનીય સંઘર્ષશક્તિનો પુરાવો છે. જોકે, આ દિલધડક દ્રશ્યો પાછળ છુપાયેલો સાચો ભય એ છે કે, જો વન્યજીવો આ રીતે રહેણાંક વિસ્તારોમાં અનુકૂલિત થતા જશે, તો આગામી સમયમાં માનવ અને પશુધન માટે સુરક્ષાનો પ્રશ્ન વધુ જટિલ બનશે.

Exit mobile version