વોર્ડ નં-7,14 અને 17માં પાણી પહોંચાડતી ગુરુકુળ સંપની મુખ્ય લાઇન રાત્રીના તૂટતાં રીપેરિંગ શરૂ કરાયું
શહેરને પીવાનુ પાણી પુુરુ પાડતા મુખ્ય ત્રણ જળાશ્યોમાં મોટીમાત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો છે અને મનપા દ્વારા રેગ્યુલર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તહેવારો નજીક હોવાથી ગૃહણીઓ દ્વારા સાફ સફાઇ સહિતના કામ શરૂ કર્યા છે. ત્યારે જ છતાં પાણીએ પાણી વગર રહેવાનો વારો આજે ત્રણ વોર્ડના લોકોને આવ્યો છે. ગઇકાલે રાત્રે પીડીએમ ફાટક પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા આજે સવારે 4 વાગ્યાથી ત્રણ વોર્ડમાં થતું પાણી વિતરણ ખોરવાઇ ગયું હતું. વોટર વર્કસ વિભાગે યુધ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કર્યુ છે. છતાં વોર્ડ નઁ. 7,17 અને 17માં સાંજ સુધી પાણી મળે તેમ લાગતુ નથી.
મહાપાલિકાના વોટર વર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગુરુકુળ વોટર વર્કસ ખાતેથી વોર્ડ નં.7 , 14 અને 17માં પાણી વિતરણ કરવામાં આવે છે. સવારે 4 વાગ્યાથી રાત્રી સુધી ત્રણેય વોર્ડમાં ગુરુકુળ ખાતેથી વિતરણ થઇ રહ્યુ છે. જેમાં ગઇકાલે રાત્રીના સમયે પીડીએમ ફાટકની બાજુમાં લાઇન લીકેજ થતા પાણીનો વ્યવ થઇ રહ્યો હોવાની ફરિયાદ આવતા વોટર વર્કસ વિભાગનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેસીબી મશીનથી લિકેજના સ્થળે ખોદકામ કરતા પાઇપમાં મોટુ ભંગાણ થયાનું જોવા મળેલ જેના લીધે પ્રથમ ત્રણેય વોર્ડમાં પાણી વિતરણ અટકાવી ગુરુકુળ ખાતે પાણીના ટાંકાનો મુખ્ય વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલ બપોરે 1 વાગ્યે રીપેરીંગ કામ ચાલુ હોય સાંજ સુધીમાં પુરુ થવાની સંભાવના જોવાઇ રહી છે. આથી સાંજના સમયે વોર્ડ નં.7,14 અને 17ના જે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યા પાણી વિતરણ શરૂ કરાશે. પરંતુ લાઇનુ ભંગાણ જોતા સાંજના સમયનો પાણી વિતરણનો સમય વિતી જવા છતાં રીપેરીંગ થાય તેવુ લાગતુ નથી. આથી આજે સવારથી આખો દિવસ વોર્ડ નં. 7, 14 અને 17માં ઓચિંતો પાણી કાપ નાખવાની તંત્રને ફરજ પડી છે.
રીપેરિંગ દરમિયાન વીજથાંભલો બન્યો વિલન
ઢેબર રોડ ઉપર આવેલ ગુરુકુળ વોટર વર્કસની વોર્ડ નં7, 14 અને 17માં જતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આજે ત્રણ વોર્ડ તરસ્યા રહ્યા હતા. વોટર વર્કસ વિભાગ દ્વારા લાઇન રીપેરીંગની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પરંતુ ખોદકામ દરમિયાન પીજીવીસીએલનો વીજ પોલ વચ્ચે આવતા આ પોલ દૂર કરવાની જરૂરીયાત ઉભી થતા પીજીવીસીએલને આ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. ત્યા સુધી રીપેરીંગનું કામ બંધ કરવામાં આવેલ પીવાના પાણીનો મુદ્દો હોવાથી પીજીવીસીએલની ટીમ દ્વારા પણ થાંભલો દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. છતા આજે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી. જેના માટે વિજ થાંભલો વિલન બન્યો હતો.

