Site icon Gujarat Mirror

દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી અમદાવાદથી ઝડપાયો

અમદાવાદ-બાવળા હાઇવે ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડનું સફળ ઓપરેશન

રાજકોટ શહેર પોલીસ દ્વારા જેલમાંથી ફરાર કેદીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો કેદી સંજય પુંજાભાઇ બારૈયાને ઝડપી લીધો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક અને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ ટીમ ફરાર આરોપીને પકડવા કાર્યરત હતી ત્યારે તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલીસીસના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, 2022ના વર્ષના દુષ્કર્મ અને અપહરણના ગુનામાં આજીવન કેદની સજા પામેલો કેદી સંજય બારૈયા અમદાવાદ વિસ્તારમાં છુપાયેલો છે. આ કેદી તા. 02/10/2024 થી પેરોલ રજા પર છૂટ્યા બાદ પરત જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. બાતમીના આધારે પોલીસે અમદાવાદ-બાવળા હાઇવે રોડ પર આવેલા નવાપુરા ગામના પાઇપ ઝોન વિસ્તારમાં દરોડો પાડીને 21 વર્ષીય સંજય પુંજાભાઇ બારૈયાને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નવા મુવાળા ગામનો વતની છે અને હાલ અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો હતો. પકડાયેલા કેદીને કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ, પી.એસ.આઈ. જે.જી. તેરૈયા, એ.એસ.આઈ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ સીરાજભાઇ, રોહિતભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

 

Exit mobile version