આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમ થી દસમ સુધી તથા આ વર્ષે તા. 25 મી જુલાઈથી 4 થી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન, અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે કરવામાં આવે છે. દશામૉંના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ધા પ્રમાણે થાય તેનો કદી પણ વિરોધ હોય શકે નહીં. સૌને આદર, વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામૉંના વ્રત દરમ્યાન અમુક લેભાગુઓ, ભુવા-ભારાડી, ભૂઈમા, તકસાધુઓ, ચમત્કારિકો શ્રદ્ધાના માહોલમાં યુક્તિ, પ્રયુક્તિ, ચમત્કારો કરી છેતરપિંડી કરે છે તેનો વર્ષોને અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શુક્રવાર તા. 25 મી થી દશામૉંના વ્રતનો પ્રારંભ થાય છે. દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગરિકોને અબાધિત અધિકાર છે. વ્રતના સ્થાપન-પુર્ણાહુતિએ શ્રદ્ધાળુઓએ આરોગ્યની જાળવણી રાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્કારો – પરચાઓ વિજ્ઞાનને કારણે ગાયબ થઈ ગયા છે. સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂૂરી છે.રાજયમાં જિલ્લા મથકોએ કાર્યવાહક સમિતિ બનાવી છે તે વ્રતના દશ દિવસ સુધી ઢોંગી ભૂઈ-ભુવા, લેભાગુઓ ઉપર નજર રાખશે. છેતરપિંડીના પુરાવા અને ફરિયાદીની મદદથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. સ્થાનિક લોકોએ સાક્ષી-પુરાવામાં મદદરૂૂપ થવું પડશે.
જાથા તટસ્થ ન્યાયસુસંગત જ કાર્યવાહી ખરાઈ કરીને જ કરશે. અમુક કિસ્સામાં જાથાની જાણ બહાર કે સંસ્થાનું નામ લઈ વ્રત દરમ્યાન કોઈ વિક્ષેપ, ડરાવે, ધમકાવે તો સાવધાન રહેવું. જાથા ધાર્મિક ઉજવણીમાં સ્થળ ઉપર જતું નથી કે વિક્ષેપ કરતું નથી. જાયા કદી કોઈની લાગણી દુભાવતું નથી. જાથાના નામે ફોન, રૂૂબરૂૂ કે મોબાઈલ આવે તો ખરાઈ કરવા અપીલ કરવામાં આવે છે. અમુક હિતશત્રુઓ જાથાને બદનામ કરવા જે પ્રયાસો કરે છે તેને વખોડવામાં આવે છે.જાથાના સદસ્યો નાથાભાઈ પીપળીયા, પ્રમોદભાઈ પંડયા, દિનેશભાઈ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઈ યાદવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોક્રેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા એડવોકેટ અને શાખાઓના કાર્યકરો સંકલન કરી શ્રધ્ધાની આડમાં છેતરાય નહિ તે સંબંધી જાગૃતિ કેળવવાના છે.રાજયમાં દશામાના વ્રત દરમ્યાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરતી ભૂઈમાઓ વિશે માહિતી મો. 98252 16689 ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

