ભારતના પુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતા દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટની રાજકીય પાર્ટીઓના નેતા, ધાર્મિક સંસ્થાઓના વડા સહીત વિવિધ સામાજીક અગ્રણીઓ દ્વારા ડો.મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ સમિતિ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ આર્થિક તજજ્ઞ ની વિદાય અને ભારતે વધુ એક રત્ન ગુમાવ્યો છે. રાજકારણના એક યુગનો અંત આવ્યો છે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘનું 92 વર્ષની વયે નિધન થતા કોંગ્રેસ પક્ષ અને ભારતની પ્રજાએ એક નેક ઇન્સાન ગુમાવ્યો છે. આર્થિક બાબતોની આગવી સુઝ થકી ભારતમાં કરોડો લોકોની ખરીદ શક્તિ વધારી તેમને ગરીબી રેખામાંથી બહાર કાઢનાર અને આધાર મનરેગા અને આરટીઆઇમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની સિદ્ધિઓ ની યાદી ખૂબ જ લાંબી છે. ડો. મનમોહન સિંઘ નાણામંત્રી તરીકે સેવા આપતા 1991 માં શરૂૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સરકારે નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઇ) વધારવું અને માળખાકીય સુવિધા અમલમાં મુકવાનો સમાવેશ થાય છે જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું. ભગવાન તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રાર્થના કરે છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ડો.યજ્ઞેશ જોશી, ડો.રાજેશ ત્રિવેદી, ડો.વિરલ ભટ્ટે જણાવ્યું છે કે તા.26/12/2024ના રોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહજી એક અસાધારણ નેતા હતા, જેમણે ભારતના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. ભારતના 13મા વડા પ્રધાન તરીકે, તેમણે 2004 થી 2014 સુધી અત્યંત સમર્પણ અને અખંડિતતા સાથે રાષ્ટ્રની સેવા કરી. શરૂૂઆતથી લઈને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને રાજકારણીઓમાંના એક બનવા સુધીની તેમની નોંધપાત્ર સફર ખરેખર પ્રેરણાદાયી છે.
લોક સંસદ વિચાર મંચ
ભારતીય અર્થતંત્રને વર્ષો સુધી ધબકતું રાખનાર મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી એવી લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, હિરપરા જેન્તીભાઈ, જીગ્નેશ બોરડ, સરલાબેન પાટડીયા એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, કૈલાસબેન વાઘેલા સહિત ના સંસ્થાના આગેવાનોએ માંગ ઉઠાવી છે.
મનપા પદાધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન, પ્રખર અર્થશાસ્ત્રી અને વૈશ્વિકીકરણ-ઉદારીકરણ નિતીના પ્રણેતા ડો.મનમોહનસિંહના દુ:ખદ અવસાન સબબ શ્રધ્ધા સુમન પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા જણાવે છે કે, ડો.મનમોહનસિંહ વર્ષ 2004માં દેશના 13માં વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી આ હોદ્દા પર બે ટર્મ સુધી રહ્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા હતા. ડો.મનમોહનસિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે, વર્ષ 1985 થી 1987 યોજના આયોગના પ્રમુખ તરીકે, વર્ષ 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે, વર્ષ 1991માં દેશના નાણામંત્રી તરીકે સેવા આપી હતી. તેઓના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં આર્થિક સુધારા કરી દેશને આર્થિક મંદીમાંથી બહાર લાવવા મહત્વનું યોગદાન આપેલ હતું. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહના દુ:ખદ અવસાન સબબ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા શ્રદ્ધાંજલિ પાઠવે છે.

