3 મહિના પૂર્વે મિત્રને આરોપી સાથે ઝઘડો થયા હોય સમાધાનમાં વચ્ચે પડ્યાનો ખાર રાખી માર માર્યો
શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા વકીલ ઉપર શખ્સે તીક્ષ્ણ હથિયા વડે હુમલો કરી જાનથી માર નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્રણ મહિના પૂર્વે મિત્રને આરોપી સાથે ઝઘડો થયો હોય જેમાં ફરિયાદ સમાધાનમાં વચ્ચે પડ્યાનો ખાર રાખી મારમાર્યાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર નીલસિટીમાં નીલગ્રીનવુડમાં રહેતા એડવોકેટ જયવીરસિંહ લખધીરસિંહ ઝાલા, (ઉ.વ.32)એ યુનિ.પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુરસિંહ રાયજાદાનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે 11 વાગ્યે તેઓ કેકેવી હોલ પાસે આવેલી તેની ઓફિસેથી બાઇક લઇ ઘરે જતા હતા ત્યારે એપાર્ટમેન્ટના ગેઇટ પાસે સોસાયટીમાં રહેતા જયુભા ઝાલા અને રૂદ્રસિંહ જાડેજા મળતા તેઓ સાથે બેઠા હતા.
ત્યારે તેમની સોસાયટીમાં રહેતા મયુરસિંહ રાયજાદાએ આવી તેમની સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કરતા ગાલ ઉપર છરકો થઇ જતા લોહી નીકળવા લાગ્યુ હતું. દરમિયાન તેમના મિત્ર જયુભા અને રૂદ્રસિંહ વચ્ચે પડતા આરોપી ‘આજે તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી ત્યાંથી નાસી છૂટ્યો હતો. હૂમલામાં ઇજાગ્રસ્ત જયવીરસિંહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમા ફરિયાદના મિત્ર સમીરભાઇ ખીરા સાથે આરોપી મયુરસિંહને ત્રણ મહિના પહેલા કોઇ બાબતે ઝઘડો થયો હયો. જેમાં ફરિયાદી સમાધાનમાં વચ્ચે પડતા તેનો ખાર રાખી હૂમલો કર્યાનું જણાવ્યુ હતું અને હૂમલા દરમિયાન તેના ગળામાંથી સોનાનો ચેઇન પડી ગયો હતો. આ અંગે યુનિ. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

