રાજકોટ શહેરમા વ્યાજખોરીના બનાવો વધતા જાય છે ત્યારે દુધસાગર રોડ પર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમા રહેતા અને મકાન તેમજ કોર્મશિયલ બાંધકામનો વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરને 1પ લાખના 36 લાખ ચુકવ્યા છતા વધુ 8 લાખની ઉઘરાણી કરતા વ્યાજખોર સામે થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમા રહેતા આબીદ ગુલામહુશેન ચાવડા નામના 42 વર્ષના વેપારીએ પોતાની ફરીયાદમા રામનાથપરામા રહેતા જાહીદ ઇકબાલ કાદરીનુ નામ આપતા તેમની સામે મની લેન્ડ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. આબીદભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇ તા. 10-11 ના રોજ રાત્રીના સમયે પોતે તેમના મિત્રો યુસુફ શાહમદાર, રણજીતભાઇ સરવૈયા અને અલ્તાફભાઇ રાઉમા એમ બધા ઘર પાસે બેઠા હતા ત્યારે તેમના પરીચીત જાહીદભાઇ કાદરી કાર લઇ આવ્યા હતા અને તેમની પાસેથી આજથી ત્રણેક વર્ષ પહેલા બાંધકામના ધંધા માટે 1પ લાખની જરૂર હોય જેથી 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. જે 1પ લાખના 10 ટકાનુ વ્યાજ દોઢ લાખ રૂપિયા થાય જે વ્યાજની રકમ દર મહીનાની 1 તારીખથી પ તારીખની વચ્ચે તેઓ જાહીદભાઇને ચુકવતા હતા.
આમ તેમને બે વર્ષ સુધી 36 લાખ રૂપિયા ચુકવ્યા હતા. તેમજ છેલ્લા ત્રણેક મહીનાથી ધંધો બરાબર ચાલતો ન હોય માટે આ જાહીદભાઇને વ્યાજ આપ્યુ ન હતુ. 36 લાખ રૂપિયા ચુકતે કરી દીધા છતા જાહીદભાઇ વધુ નાણાની ઉઘરાણી કરતા હતા જેથી તેમને હજુ કેટલા પૈસા આપવાના છે તેમ પુછતા જાહીદ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ હજુ 8 લાખ રૂપિયાની ઉઘરાણી કરી પૈસા નહી આપે તો જીવતો નહી મુકુ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આમ તેઓ ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી આબીદભાઇના મિત્ર રણજીતભાઇએ વચ્ચે પડી ગાળો નહી બોલવાનુ જણાવ્યુ હતુ તેમજ આજુબાજુમા મહીલાઓ તેમજ બાળકો હોય તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આમ છતા જાહીદે ઉશ્કેરાઇ રણજીતભાઇને ગાળો આપી હતી અને ત્યાથી ભાગી ગયો હતો. આ મામલે એકાદ મહીના પહેલા પોલીસ કમિશ્નરને અરજી કર્યા બાદ હવે થોરાળા પોલીસના સ્ટાફે ગુનો નોંધી વ્યાજખોરને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

